ગાંધીનગર: ગુજરાતી (Gujarati) ભાષાની (Language) જાળવણીની જરૂરિયાત પર ભાર મૂકતા સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું હતું કે ‘અંગ્રેજી આવડે એ જ હોંશિયાર એવું જરૂરી નથી, હું જાપાન (Japan) ગયો ત્યારે મેં મારી ગુજરાતી ભાષા જાળવી રાખી હતી.’ ગુજરાત વિદ્યાસભાનાં 175 વર્ષની ઉજવણીના પ્રસંગે યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રીએ આ ટકોર કરી હતી.
- ગુજરાતી ભાષાની જાળવણી માટે જ અમે ધો. 1થી 8માં ગુજરાતી વિષય ફરજિયાત કર્યો છે
- ગુજરાત વિદ્યાસભાનાં 175 વર્ષની ઉજવણી કરાઈ
અમદાવાદમાં યોજાયેલા સમારંભમાં ગુજરાતનું ગૌરવ અને વારસો સાચવવા ગુજરાતી ભાષા જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘ગુજરાતી ભાષાને જાળવવા સરકારે 1 થી 8માં ગુજરાતી ફરજિયાત કર્યું છે.’ આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘હાલના સમયમાં અંગ્રેજી ભાષા જરૂરી છે પરંતુ અંગ્રેજી આવડે એ જ હોંશિયાર હોય એવું નથી. હું જાપાન ગયો ત્યારે મેં મારી ભાષા જાળવી રાખી હતી અને દુભાષિયાની મદદથી સંવાદ કર્યો હતો.’
તેમણે જણાવ્યું હતું કે, ‘દરેક જગ્યાએ આપવું જરૂરી નથી પણ કંઈક લઈને પણ જવું જરૂરી છે, નરેન્દ્ર ભાઈ કહે છે કે આપણા પાંચ સંકલ્પમાંથી એક આપણી વિરાસતનો પણ ગર્વ રહેવો જોઈએ. વિરાસત સાચવશે તો ગર્વ રહેશે. આ માટે જ્યાં જરૂર રહેશે ત્યાં અમે ઉભા રહીશું. માટે ગુજરાતી ભાષાની જાળવણી પણ જરૂરી છે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે આ માટે જ અમે ધોરણ 8 સુધી ગુજરાતી વિષય ફરજિયાત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 1848માં એલેક્ઝાન્ડર કીન્લોક ફોર્બ્સ અને કવિશ્રી દલપતરામ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જે પછીથી ગુજરાત વિદ્યાસભા તરીકે વિખ્યાત બની. જેના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની યાત્રાના દસ્તાવરજીકરણને દર્શાવતી પુસ્તિકા ‘ગુજરાત વિદ્યાસભાની અવિરત યાત્રા’નું વિમોચન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.