ગાંધીનગર: આજે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તા. 12મી નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ બાદ હવે નજીકના દિવસોમાં ગુજરાતમાં ચૂંટણીની (Gujarat Assembly Election) જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે આજે ગુજરાતના રાજકારણમાં એક મોટું અપડેટ જોવા મળ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને (CRPatil) દિલ્હીથી (Delhi) તેડું આવ્યું છે. ગુજરાતની ચૂંટણીના ઉમેદવારો (Candidates List) નક્કી કરવા માટે ભાજપના (BJP) મોવડી મંડળ દ્વારા તાકીદની બેઠક બોલાવાઈ છે. આ મિટીંગમાં ભાગ લેવા અને હાઈકમાન્ડ સાથે મુલાકાત કરવા માટે દાદા અને ભાઉ દિલ્હી રવાના થયા હોવાની વિગતો સાંપડી છે. દાદા અને ભાઉની દિલ્હી મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. આ મિટીંગની વાતો વહેતી થતા જ ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ગરમાટો આવી ગયો છે. દાવેદારોમાં અજબ પ્રકારની ઉત્તેજના વ્યાપી ગઈ છે. કોનું નામ કપાશે અને કોને ટિકીટ આપવામાં આવશે તેની અટકળો લાગવાનું શરૂ થઈ ગયું છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હીના હાઈ કમાન્ડ સાથેની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા વિચારણ કરવાના છે. આ મિટીંગમાં જ્ઞાતિ, રિપીટ, નો રિપીટ થિયરી સહિતની બાબતો પર ચર્ચા વિચારણા કરાયા બાદ ઉમેદવારો નક્કી કરવા માટે વિચાર મંથન કરવામાં આવશે.
ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં વિલંબ કેમ?
આજે ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી અટકળો પણ લાગતી હતી, પરંતુ તેમ થયું નથી. રાજકીય નિષ્ણાતો કહે છે કે ગુજરાતમાં ચૂંટણી જાહેર નહીં થવા પાછળ અનેક કારણો છે. સૌથી મોટું કારણ એ છે કે ગુજરાતમાં હજુ ઘણા સરકારી કાર્યક્રમો બાકી છે. ઓક્ટોબરના છેલ્લાં અઠવાડિયામાં તા. 20થી 22 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ત્રિદિવસીય ડિફેન્સ એક્સ્પો થવાનો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. જો તે પહેલાં ચૂંટણી જાહેર થાય તો આચારસંહિતા લાગુ પડી જાય. તેવા સંજોગોમાં આ કાર્યક્રમ પાછળ ઠેલવો પડે. વળી આ એક્સ્પો ગુજરાત સરકાર માટે ખૂબ મહત્ત્વનો છે, તેથી હાલ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નહીં હોવાનો મત રાજકીય નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.