Gujarat

રાજ્યવ્યાપી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો આરંભ : 82 રથ 33 જિલ્લા, 8 મનપામાં ફરશે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા (People) સુધી પહોંચાડવાના આશય સાથે મંગળવારથી (Tuesday) સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ (Ahmedabad) ખાતેથી આ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે, જ્યારે જિલ્લા કક્ષાએ મંત્રી મંડળના સભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ થયો છે.

૮૨ વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. ૫થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જિલ્લાઓ, 8 મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં ૨૫૦૦થી વધુ કાર્યક્રમો યોજાશે અને ૨૫ હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે. આયુષ્માન ભારત પી.એમ.જે.એ.વાય-મા યોજના અંતર્ગત કાર્ડનું અપગ્રેડેશન કરવામાં આવશે તથા પી.એમ.જે.એ.વાય. -મા યોજનાના કાર્ડ વિતરણ માટેનો કેમ્પ અને સાથે જ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ પણ યોજાશે.

રાજ્ય સરકારના કેબીનેટ પ્રવકત્તા અને સિનિયર મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં વિતેલા ૨૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સહકાર, પશુપાલન, સિંચાઈ, રસ્તા, વન અને પર્યાવરણ, પીવાનું પાણી, ૨૪ કલાક વીજળી, વાહન વ્યવહાર, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. વિકાસનાં મીઠાં ફળ ગુજરાતના જન જન સુધી પહોંચ્યાં છે. મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા વિકાસની ઝાંખી કરાવવા તથા જનકલ્યાણના વિવિધ કાર્યક્રમોની જનજન સુધી જાણકારી પૂરી પાડવાના હેતુથી રાજ્યવ્યાપી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં મહેસુલ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, પંચાયત, પ્રવાસન, માહિતી, શિક્ષણ, સહકાર, મહિલા અને બાળ વિકાસ, પાણી પુરવઠો, આદિજાતિ, સામાજિક ન્યાય અધિકારીતા અને નાગરિક પુરવઠો સહિતના વિભાગો સહભાગી બન્યા છે. આ યાત્રાના માધ્યમથી અધતન ટેકનોલોજીથી સજ્જ રથના વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર વીતેલા બે દાયકામાં વિવિધ ક્ષેત્રે હાંસલ થયેલી સિદ્ધિઓની અને વિકાસની હરણફાળના દર્શન કરાવતી રસપ્રદ ફિલ્મોનું નિદર્શન થશે. આ ઉપરાંત આ રથના આગમન પૂર્વે શાળા, પંચાયત ઘર, આંગણવાડી, દૂધ મંડળી, પશુ દવાખાના, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેવા જાહેર સ્થળો અને જાહેર માર્ગો પર સ્વચ્છતા અભિયાન, શાળાકક્ષાએ ચિત્ર અને નિબંધ સ્પર્ધા, આંગણવાડીકક્ષાએ વાનગી સ્પર્ધા, ગામમાં પ્રભાતફેરી, યોગ શિબિર અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top