વ્યારા: રાજ્યના ઉમરગામથી અંબાજી (Ambaji) સુધીના આદિવાસી બહુલ વિસ્તારોમાં દિવાળી (Diwali) પૂર્વે જ વિકાસનો ઉન્નત ઉજાસ પથરાયો છે તેમ જણાવતાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે પ્રકૃતિ-સંસ્કૃતિ અને પ્રગતિને વરેલી ડબલ એન્જિન સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ‘વનબંધુ કલ્યાણ યોજના’ના માધ્યમથી પાયાકીય સુવિધાઓ ઊભી કરીને આ વિસ્તારોની કાયાપલટ કરી હોવાનું જણાવ્યું હતું.
દેશની આઝાદીના અમૃત કાળમાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ, રોજગાર, પ્રવાસન, પાણી, વીજળી, સિંચાઇ સાથે અમૃત સરોવરોના નિર્માણ થકી આ વિસ્તારમાં વિકાસનો અચો અમૃતકાળ સાબિત થશે તેમ પણ જણાવ્યું હતું. વડાપ્રધાનના માર્ગદર્શનમાં વનબંધુઓ-આદિજાતિઓના સર્વાંગી વિકાસ ઉત્કર્ષ થકી આ દીપાવલી પર્વમાં વનબંધુઓનાં ઘરોમાં વિકાસના દીવડા પ્રજ્વલિત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૧૦૨ મોડેલ અને રેસિડેન્શિયલ શાળાઓ તથા આદિજાતિ યુવાનોના કૌશલ્યવર્ધનથી તેઓ આત્મનિર્ભર બન્યા છે. ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ અને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમા રૂ.૧૨૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચાર ટ્રાયબલ ઔદ્યોગિક પાર્કના નિર્માણ થકી આદિજાતિ યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે.
વનબંધુ કલ્યાણ યોજનાના માતબર બજેટને કારણે આદિવાસી વિસ્તારોમાં વિકાસ શક્ય બન્યો: નરેશ પટેલ
વ્યારા: આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રૂ.૨૧૯૨ કરોડના માતબર વિકાસ કાર્યોએ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાને સતત વિકાસના પ્રવાહમાં જોડવાની વધુ એક કડી છે. એકલવ્ય સ્કૂલમાં પ્રત્યેક બાળક પાછળ રૂ.૧.૦૯ લાખનો ખર્ચ કરી રાજ્ય સરકાર તેના સર્વાંગી અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દીની કાળજી લઈ રહી છે. વનબંધુ કલ્યાણ યોજનાના માતબર બજેટને કારણે તમામ આદિવાસી વિસ્તારોમાં શહેર સમકક્ષ વિકાસ શક્ય બન્યો છે, એમ જણાવતા મંત્રીએ રાજ્ય સરકારની વિકાસનીતિ અને જનહિતના નિર્ણયોની વિસ્તૃત વિગતો આપી હતી.