અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણીનું (Paper checking) કાર્ય પણ પૂર ઝડપે શરૂ કરવામાં આવ્યું હતું. જે આજે 10 એપ્રિલના રોજ પૂર્ણ થઇ જશે. તેમજ એપ્રિલ મહિનાના અંત સુધીમાં ધોરણ 10 અને 12ના પરિણામોની (Results) જાહેરાત પણ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાનું પરિણામ એક મહિનો વહેલુ જાહેર થશે. કારણકે આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધો 10 અને 12 માટે 16 માર્ચથી જ મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરવામાંઆવી હતી. તેમજ આજે 10 એપ્રિલના રોજ મૂલ્યાંકનની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે.
આજે સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે
11 માર્ચ 2024ના રોજથી ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. આ પરીક્ષાઓ માર્ચ મહિનાના અંત સુધી ચાલી હતી. તેમજ પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ શિક્ષકોને મધ્યસ્થન મૂલ્યાંકન માટેના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
તેમજ શિક્ષકોએ પણ પેપર ચકાસવાની કામગીરી પરીક્ષા સાથે જ શરૂ કરી દીધી હતી. પરીક્ષા પૂર્ણ થતાં પરીક્ષા કામગીરીમાં રોકાયેલા શિક્ષકો પણ મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. જેના કારણે જ આજના દિવસમાં સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ જશે. ત્યાર બાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવશે.
આગામી લોકસભા ચૂંટણીના કારણે બોર્ડની પરીક્ષાના પરિણામો વહેલા જાહેર થશે
બોર્ડ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે લોક સભાચૂંટણી હોવાથી બોર્ડની પરિક્ષાના પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. તેમજ આજે પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં જ બોર્ડની કચેરી દ્વારા આગળની પ્રક્રિયા કરવામાં આવશે. તેમજ ઝડપથી પરિણામ તૈયાર કરી એપ્રિલ અંત સુધીમાં પરિણામો પણ જાહેર કરવામાં આવશે.
શિક્ષકોને સોંપાશે ચૂંટણીની કામગીરી
અત્યાર સુધી દર વર્ષએ મે મહિના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જ બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવતા હતા. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. તેમજ શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે.