ગાંધીનગર: પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત નોંધાયેલ દાવા ચૂકવણી એટલે કે ક્લેમની રકમ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૬ લાખ થી વધુ દાવા મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રૂ. ૭૩૭૪ કરોડની રકમના દાવા અત્યારસુધીમાં નોંધવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના ૧૪ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ૪ મહિના પૂર્ણ થશે. આ ૪ મહિનામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય –મા યોજના હેઠળ રાજ્યમાં રૂ. ૭૭૮.૪૭ કરોડના દાવા(ક્લેઇમ) ચૂકવણી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ , રાજ્યમાં ૧.૮૦ કરોડ આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે છે. હાલ રાજ્યમાં ૧ કરોડ ૮૦ લાખ ૨૬ હજાર ૫૫૫ લાભાર્થીઓને આયુષ્માનકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
કિડની, કેન્સર, હ્રદયરોગ સહિતની અંદાજીત ૨૭૧૧ જેટલી વિવિધ ગંભીર બીમારીઓ તેમજ ટ્રાન્સપ્લાન્ટની સારવાર આયુષ્માન કાર્ડ ધારકોને આપવામાં આવે છે. હાલ રાજ્યમાં ૨૭૬૫ હોસ્પિટલ્સને પ્રધાનમંત્રી જન આરોગ્ય –મા યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. જેમાં ૭૫૬ ખાનગી અને ૧૯૯૧ સરકારી હોસ્પિટલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના પ્રથમ ૧૧૫ દિવસમાં ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ વર્ષે પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના હેઠળની વીમાની રકમ રૂ. પાંચ લાખ થી વધારીને રૂ. ૧૦ લાખ કરી છે. જેના પરિણામે અત્યંત ખર્ચાળ, ગંભીર કે જટીલ પ્રકારની, અંગોના પ્રત્યોરાપણ જેવી સર્જરીઓ પણ કુટુંબદીઠ સુપેરે આ કાર્ડ હેઠળ નિ:શુલ્ક ઉપલબ્ધ થનાર છે.