ગાંધીનગર: દેશ અને ગુજરાતની (Gujarat) ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોને ન્યૂમોનિયા (Pneumonia) અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન-PCV થી સાર્વત્રિક રસીકરણ અભિયાનનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન (Vaccination) કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાના આલ્હાદપૂરાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરથી કરાવ્યો હતો.
- મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાના આલ્હાદપૂરાથી PCV વેક્સિનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
- અંદાજે 3 હજારથી ૪૫૦૦માં મળતી વેક્સિન આવા તમામ રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ થશે
ખાનગી ક્ષેત્રમાં સામાન્યત: રૂ. ૩ હજારથી ૪પ૦૦ ની કિંમતે મળતી આ વેક્સિન સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સરકાર વિનામૂલ્યે લાભાર્થી બાળકોને આપવાની છે. રાજ્યમાં એક વર્ષમાં અંદાજે ૧ર લાખ જેટલા બાળકોને ૩ ડોઝ મળીને કુલ ૩૬ લાખ PCV ડોઝ આપવામાં આવશે. બાળકને જન્મના ૬ અઠવાડિયે આ વેક્સિનનો પહેલો ડોઝ, ૧૪ અઠવાડિયે બીજો ડોઝ અને ૯ મહિના બાદ ત્રીજો બૂસ્ટર ડોઝ વેક્સિન આપવામાં આવશે.
ન્યુમોકોકલ ન્યુમોનિયા શ્વાસોશ્વાસને લગતો રોગ છે જે ફેફસામાં બળતરા અને પ્રવાહીનું સંચય કરે છે. ઉધરસ, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તિવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી આ રોગના મુખ્ય લક્ષણો છે. જો શિશુ આ રોગથી ગંભીર રીતે બિમાર હોય તો, તેને ખાવા-પીવામાં તકલીફ પડે છે, આંચકી આવી શકે અથવા બેભાન થઈ શકે છે, અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. ન્યુમોકોકલ સંક્રમણના કારણે કે મેનિન્જાઇટિસ, સેપ્ટિસીમિયા, અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગ સાથે સાથે સાઈનુસાઈટિસ જેવા મંદ પણ વધારે સામાન્ય રોગો પણ થઇ શકે છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનના યુનિવર્સલ પ્રોગ્રામથી રાજ્યમાં નવજાત બાળકોને ન્યુમોનિયા અને મગજના તાવથી સંપૂર્ણ રક્ષણ આપવાની નેમ પાર પડશે.