નાટકીય રીતે ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયાના એક સપ્તાહ બાદ CM ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) આજે દિલ્હીની એક દિવસની મુલાકાતે ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) અને મંત્રી મનસુખ માંડવીયાથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) તેઓ મળ્યા છે. વડાપ્રધાનને મળવા પહેલાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. અમિત શાહ સાથે તેઓએ 30 મિનીટથી વધુ સમય ચર્ચા કરી હતી.
મોડી સાંજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે PM મોદીને સીમંધર સ્વામીની મૂર્તિ આપી હતી. ગુજરાત CM ના ઓફિશીયલ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના CM અને PM નરેન્દ્ર મોદી વચ્ચે સ્ટેટ અફેર્સના મુદ્દે ચર્ચા થઈ છે.
આ અગાઉ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સવારે દિલ્હી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની આ પહેલી ઓફિશીયલ દિલ્હીની વિઝીટ છે. વડાપ્રધાન સમક્ષ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે. તેઓએ રાજ્ય કઈ સમસ્યાનો સામનો કરે છે તે અંગે વડાપ્રધાન સાથે લાંબી ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દાદા ભગવાનની બુક આપી
વડાપ્રધાનને મળવા પહેલાં ગુજરાતના CM રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. અહીં તેઓ પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદને મળ્યા હતા. રાષ્ટ્રપતિ સાથે તેઓએ 20 મિનીટ જેટલો સમય વીતાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દાદા ભગવાનની બુક આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન થવા બદલે ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી હતી. આ પહેલાં ગુજરાતના CM ઉપરાષ્ટ્રપતિ (Vice Presdident) વૈંકેયા નાયડૂને મળ્યા હતા.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પશુપાલન તથા ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સાથે પણ તેઓએ શુભેચ્છા મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન તેમણે અમિત શાહને વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામીની મૂર્તિ આપી છે. આમ મુખ્યમંત્રીની ઓફિસથી લઈ વડાપ્રધાનની ઓફિસમાં સીમંધર સ્વામી બિરાજમાન થઈ ગયા છે. હવે ભૂપેન્દ્ર પટેલ સોમવાર રાત્રે દિલ્હીથી અમદાવાદ આવશે.
સીમંધર સ્વામીના પ્રખર ભક્ત ભૂપેન્દ્ર પટેલ મહાત્મા તરીકે ઓળખાય છે
આ અગાઉ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં સીમંધર સ્વામીની મૂર્તિની સ્થાપિત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ પહેલા સીમંધર સ્વામી સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું. મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતા પૂર્વે શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા. દાદા પંથમાં તેઓ મહાત્મા તરીકે ઓળખાય છે. દાદા ભગવાન ફાઉન્ડેશન સાથે જેઓ વર્ષોથી સંકળાયેલા હોય તેમજ કેટલીક ચોક્કસ મહત્ત્વપૂર્ણ જ્ઞાનવિધિ મેળવી હોય તેને મહાત્માનો દરજ્જો આપવામાં આવે છે. આ ઉપરાંત સીમંધર સ્વામીની પ્રતિમાને માનસિક રુપે હંમેશા માથે રાખીને તેમના નિયમોનું પાલન કરવું પણ મહાત્માઓ માટે જરૂરી છે.