ગુજરાતમાં 156 બેઠક પર ભાજપનો ઐતિહાસિક વિજય
2022ની શરૂઆત થઇ ત્યારે જ કોરોના વકર્યો હતો જો કે, આ વર્ષે સારી બાબત એ હતી કે તે ઘાતક સાબિત થયો ન હતો. ફરી એક વખત સ્કૂલો બંધ કરવાની ફરજ પડી હતી અને 17 નગરોમાં નાઇટ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો. પરંતુ ફેબ્રુઆરીમાં પરિસ્થિતિ સુધરી ગઇ હતી. ગુજરાતની મોટી હોનારતની વાત કરીએ તો મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા 141 લોકોનાં મોત થયાં હતાં તો બરવાળામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 57 લોકોના મોત થઇ ગયા હતાં. તો બીજી તરફ લમ્પી વાયરસે સૌરાષ્ટ્ર અને ગુજરાતને લપેટમાં લેતા હજારો ગાયોના મોત થઇ ગયા હતા. રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો ભાજપ માટે આ વર્ષ ઐતિહાસિક સાબિત થયું હતું. 156 જેટલી બેઠક ઉપર ભાજપે વિજય મેળવ્યો હતો તો કોંગ્રેસના એક બે ચહેરા સિવાય બધા જ ખેંરખા હારી ગયા હતાં. વિકાસની વાત કરીએ તો ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેનને મોદીએ પ્રસ્થાન કરાવ્યું હતું. તો મોદીના રોડ શો પણ છવાયેલાં રહ્યાાં હતાં. દક્ષિણ ગુજરાતમાં પૂરનો પ્રકોપ રહ્યાો હતો, જેમાં વલસાડ અને નવસારી જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યાાં હતાં. બીજી તરફ મહારાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર સુરત બન્યું હતું અને સુરતમાં જ 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ થયો હતો. આવી તમામ બાબતો આ ઇયર એન્ડની પૂર્તિમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેનનો આરંભ
ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેન સેવાનો આરંભ કરાવતા PM મોદીએ કરાવ્યો હતો. જો કે આ સેવા શરૂ થયા પછી ત્રણ વખત તેને અકસ્માત નડ્યો હતો.
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતાં 141નાં મોત
મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડતા 141નાં મોત, અનેક બાળકો અનાથ થયા, પોલીસે કુલ 9 આરોપીની ધરપકડ કરી, મોટા માથા બચાવી લીધા હોવાનો સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો.
લમ્પી વાયરસના કારણે હજારો ગાયોના મોત
દેશના અનેક રાજ્યોમાં ગાયોમાં લમ્પી વાયરસ દેખાયો હતો. તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક ગાયના મોત થયાં હતાં.
સિરિયલ બ્લાસ્ટમાં સંડોવાયેલા તમામ 38ને ફાંસી
અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થઇ ગયા હતાં. આ કેસમાં સીમીની સંડોવણી બહાર આવી હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે તમામ આરોપીઓને ફાંસીની સજા ફટકારતો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
બરવાળામાં લઠ્ઠાકાંડમાં 57થી વધુ લોકોના મોત
અમદાવાદ નજીકના બરવાળામાં લઠ્ઠાકાંડ થતાં 57થી વધુ લોકોના મોત થઇ ગયા હતાં. લઠ્ઠો બનાવવા માટેનું કેમિકલ અમદાવાદથી સપ્લાય કરવામાં આવ્યું હતું.
નેશનલ ગેમ્સનું આયોજન અને ભવ્યાતિભવ્ય ક્લોઝિંગ સેરેમની
આ વખતની 36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું હતું અને તેમાં અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં થયું હતું. જો કે, તેની ક્લોઝિંગ સેરેમની અભૂતપૂર્વ યોજવામાં આવી હતી. જે રીતે કોમનવેલ્થનું સમાપન થાય તેવો ભવ્ય સમારોહ નેશનલ ગેમ્સમાં યોજાયો હતો. જો કે આટલું ભવ્ય આયોજન કરવા પાછળનું કારણ એ છે કે, વર્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિકમાં યજમાન પદનો દાવો અમદાવાદ કરવા જઈ રહ્યું છે. એક રીતે આ ક્લોઝિંગ સેરેમની ઓલિમ્પિક માટેનું મિની રહીર્સલ ઉપરાંત અમદાવાદની આવી ઈવેન્ટ યોજવાની ક્ષમતાનું પ્રદર્શન હતું.
ગુજરાતમાં આકાશમાંથી ગોળા પડ્યાં
સાવલી, સુરેન્દ્ર નગર, ખેડા સહિત ગુજરાતમાં ચાર જગ્યાએ આકાશમાંથી મોટા ગોળા પડવાની ઘટના પ્રકાશમાં આવી. આ કોઇ અવકાશી પદાર્થનો કાટમાળ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દીનો અમદાવાદમાં પ્રારંભ
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શતાબ્દી મહોત્સવનું તારીખ 14મી ડિસેમ્બરના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 14મી ડિસેમ્બરના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ વિમાની મથકે આવી પહોંચ્યા હતા, ત્યાંથી જ સીધા સાંજે 5:30 વાગે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ સ્થળ સરદાર પટેલ રિંગ રોડ ખાતે ઊભા કરવામાં આવેલા પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે આવ્યા. જ્યાં શાનદાર ઉદ્ઘાટન સમારંભ થયો હતો. અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર 600 એકરની વિશાળ ભૂમિમાં તૈયાર કરવામાં આવેલા પ્રમુખ સ્વામી નગરમાં ૩૦ દિવસ સુધી વિવિધ આધ્યાત્મિક અને પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયા હતા. પ્રમુખસ્વામી નગરમાં 30 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં રાત્રિના સમયે ગ્લો ગાર્ડન પણ દર્શકોએ માણ્યોે. આ નગરમાં મનોરંજક, જ્ઞાનવર્ધક, બાળનગરી, જ્યાં રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, લાઈટ એન્ડ સાઉન્ડ શો, સહિતના અનેક આકર્ષણો ઊભા કરાયા હતા.
તાપી-નર્મદા-પાર રિવર લિંક યોજના પડતી મૂકાઇ
આદિવાસીઓના આંદોલન અને વિરોધને ધ્યાનમાં રાખીને તાપી-નર્મદા-પાર રિવર લિંક યોજના પડતી મૂકાઇ હતી. આદિવાસી પટ્ટી ઉપર તેના કારણે આંદોલન પણ થયું હતું. રાજ્ય સરકાર માટે આ પ્રોજેકટ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે.
કોરોના ફરી વકરતા ધો. 1 થી 9 સુધીના વર્ગો બંધ કરાયા, 17 નગરોમાં નાઇટ કર્ફ્યુ
રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 5396 કેસ નોંધાતા ધોરણ 1 થી 9 સુધીના વર્ગો બંધ કરાવી દેવામાં આવ્યા હતાં તો બીજી તરફ કર્ફ્યૂનો સમય રાત્રે 10 વાગ્યાથી કરી દેવાયો હતો. જાન્યુઆરી કોરોનાનું સંક્રમણ વધતા નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ નડિયાદ, વ્યારા, વલસાડ,વાપી, અંકલેશ્વર સહિત ગુજરાતના 17 નગરોમાં નાઇટ કર્ફ્યુ લાદી દેવાયો.