નાણાં મંત્રી નીતિન પટેલ (Nitin Patel) દ્વ્રારા વિધાનસભામાં આજે મહિલાઓના વિકાસ માટે બજેટમાં (Budget) 867 જેટલી સ્પે. યોજનાઓ હેઠળ 5112.88 કરોડની જોગવાઈ કરાઈ છે.જેમાંથી 189 યોજનાઓ તો મહિલાઓ માટે જ છે. એકંદરે મહિલાઓના વિકાસ માટે 8692.63 કરોડની જોગવાઈ કરાઈ છે.
શૈક્ષણિક (Education) વિકાસ
- કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના હેતુસર વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અમલી છે. જે અંતર્ગત કુલ રૂપિયા 20.99 કરોડની જોગવાઇ કરી છે.
- ધોરણ 8 સુધીની આદિજાતિની બાળાઓની શાળામાં હાજરીમાં વધારો કરવા અને શાળા છોડી જતી આદિજાતિ બાળકીઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે આદિજાતિ વિસ્તારમાં બાળકોના વાલીઓને અન્ન સંગમ યોજના અંતર્ગત અનાજ પૂરું પાડવા માટે કુલ રૂપિયા 68 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતી કન્યાઓને બોર્ડની પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. એ માટે કુલ રૂપિયા 44.07 કરોડની જોગવાઇ કરી છે.
- ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓને વીના મૂલ્ય શિક્ષણ પૂરું પાડવા માટે કુલ રૂપિયા 14.0 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ટેકનિકલ શિક્ષણમાં વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રવેશ મેળવે તે માટે અલાયદી ગર્લ્સ પોલિટેકનિક તૈયાર કરવામાં આવનાર છે. જે માટે રૂપિયા 32.32 કરોડની જોગવાઈ કરવામાં આવે છે.
આરોગ્ય (Health) વિકાસ
- રાજ્યમાં ગરીબીરેખાની નીચે માતાઓ માટે પોષણ અને એનેમિયા સાથે જોડાયેલી બીમારીઓ અને મૃત્યુદરના ઘટાડાને સુનિશ્ચિત સગર્ભા મહિલાને કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. જે માટે રૂપિયા 84.34 કરોડની જોગવાઈ.
- કિશોરીઓના પોષણ વિકાસ અને કૌશલ્ય વિકાસ માટે સબલા યોજના અમલી બનાવવામાં આવેલી છે. જે માટે રૂપિયા 23.9 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.
- કિશોરીઓના વ્યક્તિગત આરોગ્ય વૃદ્ધિ અને વિકાસ પોષણ માટે કિશોરી શક્તિ યોજના પૂર્ણા યોજના અંતર્ગત કુલ રૂપિયા 229.48 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.
- કિશોરીઓને માસિક અંગેની જાગૃતતા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખવા આરોગ્યપ્રદ સેનેટરી નેપકીન આપવામાં આવનાર છે. જે માટે રૂપિયા 5 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે.
આર્થિક (Economic) વિકાસ
- મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નવી યોજના અંતર્ગત ધિરાણ સંસ્થાઓ મારફત પ્રત્યેક જૂથને રૂપિયા એક લાખની લોન સહાય આપવામાં આવશે. આગામી એક વર્ષમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં એક લાખ જૂથો બનાવી 10 લાખ મહિલાઓને આવા ગ્રુપમાં આવરી લેવામાં કુલ રૂપિયા 105 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- સ્વસહાય જુથોમાં બચત તેમજ ધંધો રોજગાર કરવાની આદત વિકસાવવા વિવિધ ધિરાણ સંસ્થાઓના સહયોગથી પ્રત્યેક જૂથને લોન માટે રૂપિયા 17.67 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કલ્યાણ અને સુરક્ષા - પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વસતા મકાન વિહોણા અથવા સાચું અને જર્જરીત મકાન ધરાવતા પરિવારોને 2022 સુધીમાં પાયાની સગવડો સાથે પાકા મકાનો પૂરા પાડવા માટે રૂપિયા 1250.06 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- વિધવા મહિલાઓનું સમાજમાં સન્માન સાથે સ્વીકૃતિ અને પુનઃસ્થાપન થાય તે માટે વિધવા પુનઃલગ્ન યોજના અમલમાં મુકવામાં આવનાર છે. જે માટે રૂપિયા 2.50 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.