ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસ બાદ ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન રૂપાલાથી આગળ વધીને હવે ભાજપના વિરોધ સુધી પહોંચી ગયું છે. તેવામાં લોકસભાની આઠ બેઠકો ઉપર ભાજપને હરાવવાની રણનીતિ ક્ષત્રિય સમાજ દ્વારા ઘડી કાઢવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે સમાજ દ્વારા ભાજપને આપેલા અલ્ટીમેટમનો સમય પૂરો થઈ ગયો છે. હવે ક્ષત્રિયોએ તલવાર મ્યાનમાંથી કાઢી છે. આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વડોદરા અને આણંદમાં ક્ષત્રિય સમાજનું સંમેલન પણ બોલાવવામાં આવશે.
ભાજપને રૂપાલા માટે આટલો મોહ શેનો છે? હવે નુક્સાન સહન કરવું પડશે: જાડેજા
આઠ બેઠક પર ભાજપને ધૂળ ચટાડવા ક્ષત્રિય સમાજે રણનીતિ ઘડી કાઢી
ક્ષત્રિયોએ હવે મ્યાનમાંથી તલવાર કાઢી લીધી છે, ક્ષત્રિયાણીઓએ ઉપવાસ શરૂ કરી દીધાં
આ ઉપરાંત આજથી જ ક્ષત્રિયાણી બહેનોએ પ્રતિક ઉપવાસ આંદોલન પણ શરૂ કરી દીધા છે. દરરોજ તાલુકા-જિલ્લા, તથા ગ્રામ્ય કક્ષાએ જુદી જુદી બહેનો પ્રતિક ઉપવાસ કરશે. ક્ષત્રિય સમાજ દ્વારા આ આંદોલનને શહેરી વિસ્તાર પૂરતું સીમિત ન રાખીને ગ્રામ્ય વિસ્તાર સુધી લઈ જવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જાડેજાએ વધુમાં કહ્યું હતું કે ભાજપને એક વ્યક્તિ રૂપાલા માટે આટલો બધો મોહ શેનો છે, તે સમજાતું નથી. ભાજપ એક વ્યક્તિ માટે આટલું મોટું નુકસાન સહન કરવા તૈયાર છે, એ કાંઈ સમજાતું નથી. રૂપાલામાં એવું તે શું છે કે, તેની ટિકિટ રદ કરી શકતા નથી. તેથીએ વધુ રૂપાલાએ પોતાની જાતે ખેલદિલી બતાવીને ટિકિટ પાછી આપી દેવી જોઈતી હતી, પરંતુ સત્તા અને ખુરશીના મોહમાં રૂપાલાએ ખેલદિલી બતાવી નથી.
ક્ષત્રિય સમાજ પહેલેથી ભાજપ સાથે રહ્યો છે, હવે આગામી દિવસોમાં ભાજપનો ઉગ્ર વિરોધ કરશે
પી.ટી. જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજનું આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનશે. આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ ભાજપનો ઉગ્ર વિરોધ કરશે. ક્ષત્રિય સમાજ પહેલેથી જ ભાજપની સાથે રહ્યો છે, પરંતુ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ભાજપે સમાજ દ્વારા આટલી બધી રજૂઆતો અને માંગણી કરવા છતાં સમાજની વાતને ભાજપે સ્વીકારી નથી. ક્ષત્રિય સમાજ માત્રને માત્ર એક વ્યક્તિ માટે આંદોલન કરી રહ્યું છે, પરંતુ ભાજપ તે સમજવા તૈયાર નથી.
લુણાવાડામાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિય સમાજનું હલ્લાબોલ
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હવે ભાજપનો વિરોધ બની રહ્યો છે, ત્યારે લુણાવાડા ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં ક્ષત્રિય સમાજના યુવકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. જો કે પોલીસે આ યુવકોને વિરોધ પ્રદર્શન કરતા અટકાવ્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા યુવકોની અટકાયત કરી હતી.