ગાંધીનગર: ભાજપના (BJP) બળવાખોર ઉમેદવારોને પ્રદેશ ભાજપની નેતાગીરીએ હવે સસ્પેન્શનનાં (Suspension ) પગલાંની ચેતવણી (Warning) આપી દીધી છે. ભાજપમાં વડોદરા, બનાસકાંઠા તથા સાબરકાંઠામાં બળવાખોર ઉમેદવારોએ પોતાના અપક્ષ તરીકે ફોર્મ ભર્યાં છે.
ગુરુવારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે (CRPatil) કહ્યું હતું કે, બળવાખોર ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી લે, નહીં તો પાર્ટી શિસ્ત ભંગનાં પગલાં લેશે. પાટીલે આવા ઉમેદવારોને પોતાની ઉમેદવારી પરત ખેંચી લેવા જણાવ્યું હતું. પાટીલે કહ્યું હતું કે, પહેલા તબક્કાની 89 બેઠક માટે આવતીકાલથી ભાજપની પ્રચાર ઝુંબેશ શરૂ થશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, યુપીના સીએમ યોગી આદિત્ય નાથ તથા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ તથા વરિષ્ઠ નેતાઓ પણ પ્રચારમાં જોડાનાર છે. આવતીકાલે શુક્રવારે બપોરે 3 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટંકારાના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા માટે સભા સંબોધશે.
જ્યારે બપોરના 4 વાગ્યે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મોરબીના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા માટે જાહેર સભા સંબોધશે. આ ઉપરાંત વાંકાનેર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના સમર્થનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભા યોજાશે. પાટીલે જણાવ્યું હતું કે, પીએમ મોદીનો ચહેરો અમારી માટે બ્રહ્માસ્ત્ર છે. તેમજ પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય નેતાઓ અને ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે, જેમાં શુક્રવારે ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. તેમજ પ્રથમ તબક્કાની તમામ 89 બેઠક પર જનસભા યોજવામાં આવશે. જેમાં કેન્દ્રીય નેતૃત્વ સહિત 89 નેતા જનસભામાં જોડાશે.
ભાજપ અને કોંગ્રેસના અનેક બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી કરી
ગાંધીનગર: ભાજપમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા જિલ્લામાં પાર્ટીના જ નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી દીધી છે. દહેગામ બેઠક પર કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય કામિની બાએ અપક્ષ ઉમેદવારી કરી છે. કામિની બાએ આજે સવારે એવો આક્ષેપ કર્યો હતો કે મારી ઉપર હિન્દી ભાષી શખ્સનો ફોન આવ્યો હતો કે કોંગીમાં ટિકીટ માટે દોઢ કરોડ આપવા પડશે, તે પછી ચર્ચામાં 70 લાખ સુધી વાત પહોંચી હતી. જયારે ખરેખર 50 લાખની ઓફર કરાઈ હતી. કામિની બાએ કોંગ્રેસમાં રૂપિયા લઈને ટિકીટ વેચાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
- ભાજપમાં વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં બળવાખોરો અપક્ષ બન્યા
- કોંગ્રેસમાં બાયડમાં અસંતોષ, પેટલાદમાં પણ નિરંજન પટેલે અપક્ષ ઉમેદવારી કરી
બાયડમાં કોંગીના વર્તમાન ધારાસભ્ય જશુ પટેલની ટિકીટ કાપીને તેમના સ્થાને શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકીટ આપી દેવાતાં હવે જશુ પટેલ પણ નારાજ થઈ ગયા છે. મહેન્દ્રસિંહ વાઘેલાએ ફોર્મ ભર્યુ ત્યારે જસુ પટેલ તેમની સાથે ગયા નહોતા. જો કે તેમણે પાર્ટીને નુકસાન નહીં કરવાનું મન બનાવી લીધું છે. બીજી તરફ બનાસકાંઠામા ધાનેરામાં ભાજપના માવજી દેસાઈએ આ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી દીધી છે. બાયડ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી કરી દીધી છે. પાદરા બેઠક પર ભાજપના દિનુ મામાએ પણ અપક્ષ ઉમેદવારી કરી વાઘોડિયા બેઠક પર ભાજપના ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવે પણ અપક્ષ ઉમેદવારી કરી દીધી છે .પેટલાદમાં આજે સવારે કોંગીના ધારાસભ્ય નિરંજન પટેલે પક્ષમાંથી રાજીનામુ આપીને અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. ઉત્તર ગુજરાતમાં 10 જેટલી બેઠકો પર ભાજપને પાર્ટીના નારાજ નેતાઓ નડી શકે તેમ છે.