અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) પ્રદેશ કોંગ્રેસ (Congress) કાર્યાલય ખાતે નર્મદાના પૂર્વ ધારાસભ્ય સહિત સંખ્યાબંધ કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના સિનિયર અગ્રણી અર્જુન મોઢવાડિયાએ આ તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા.
પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને સ્વાગત કરતા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુન મોઢવડિયાએ જણાવ્યું હતું કે, પી.ડી. વસાવા ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહ્યાં છે. થોડા સમય માટે કોંગ્રેસ થી દૂર થયા હતા અને હવે તેઓ પુનઃ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ પક્ષ હંમેશા આદિવાસી સમાજના ન્યાય અધિકાર માટે કામ કરતી રહી છે. શોષિત, પીડીત, દલિત, આદિવાસી સમાજને સામાજિક ન્યાય મળે તે માટે હંમેશા કોંગ્રેસ પક્ષ લડાઈ લડતો રહ્યો છે અને આગળ પણ લડતો રહેશે. સત્તામાં ના હોવા છતાં પણ આદિવાસી સમાજ હંમેશા કોંગ્રેસ પક્ષને પસંદ કરે છે તે દિલમાં વસેલા છે.
આજરોજ કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા બાદ પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે. દેશમાં મોંઘવારીનો માર છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ રોજ વધી રહ્યાં છે. સરકાર નજીવુ વેતન ચુકવી આર્થિક શોષણ કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતૃત્વનો આભાર માનું છું કે મને ફરી કોંગ્રેસ પક્ષમાં સેવા કરવાની તક આપી છે.