ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટુ ભંગાણ પડે તેવી સંભાવના છે. ખાસ કરીને ગમે તે ઘડીયે કોંગીના છ ધારાસભ્યો કેસરિયા કરે તેવા ચક્રો ગતિમાન થયા છે. આગામી 17મી ઓગસ્ટની આસપાસ પોતાનો ભાજપમાંથી ચોક્કસ ટિકીટની ખાતરી મળ્યા પછી છ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જાય તેવા સંકેત મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મજબૂત ધારાસભ્યોને ખેરવી નાંખવાની રમનીતિને આખરી ઓપ આવી દેવાયો છે. ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું કેસરિયા ઓપરેશન ચાલી રહ્યું છે. જો છ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તો કોંગ્રેસને મોટો રાજકિય ઝટકો લાગી શકે છે.
આગામી તા.17મી ઓગસ્ટના રોજ કોંગ્રેસના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી નરેશકુમાર રાવલ, પૂર્વ રાજ્યસભાના સાંસદ રાજુ પરમાર તથા વિજય કેલ્લા પણ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ ત્રણેય કોંગીના નેતાઓની પીએમ મોદી સાથે તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. બીજી તરફ કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝાનું ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ છે. 2017માં કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સીટો આવી હતી. આજે ભાજપમાં 70 ટકા કોંગ્રેસની વિચારધારા ધરાવતા ધારાસભ્યો છે. ઓઝાએ કહ્યું કે, અમે કોંગ્રેસના છ ધારાસભ્યોને સમજાવવાના પ્રયાસો કરીશુ.