ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) પ્રચંડ 156 જેટલી બેઠક મળવાના પગલે પ્રદેશ ભાજપના (BJP) પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગઈરાત્રે નવી દિલ્હીમાં (Delhi) જીમખાના ક્લબમાં રાત્રિ ભોજન સમારંભ યોજયો હતો, જેમાં પીએમ (PM) નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત એનડીએના સિનિયર નેતાઓ-ગુજરાત ભાજપના સાંસદો તથા એનડીએના સાસંદો ઉપસ્થિત રહ્યા હતા. આ રાત્રિ ભોજન સમારંભ બાદ દિલ્હીમાં હવે એવી અટકળો શરૂ થઈ ચૂકી છે કે સી.આર.પાટીલને ભાજપ હાઈકમાન્ડ દ્વારા નવી મોટી જવાબદારી સોંપાઈ શકે છે. આ રાત્રિ ભોજન સમારંભમાં ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભાજપના સંસદિય દળની બેઠકમાં ગુજરાતના વિજયનો શ્રેય પાટીલને આપ્યો હતો.