દિલ્હી: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટી (Political Party) તૈયારીઓ કરી રહી છે. આ વર્ષે લાગી રહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) સામસામે ટક્કર આપવાના છે. ગુજરાતમાં આપ દિલ્હીનું (Delhi) શિક્ષણ અંગેનું મોડલ રજૂ કરી ભાજપને ટક્કર આપી રહ્યું છે. ત્યારે આ ભાજપે પણ આપને ટક્કર આપવા કમર કસી છે. ગુજરાત ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્યો સહિત 17 સભ્યોની ટીમ દિલ્હીના વિકાસશીલ મોડલનું નિરીક્ષણ કરવા દિલ્હી પહોંચી ગઈ છે . જ્યાં તેઓ એક પણ આપના નેતા મળ્યા વગર જ દિલ્હી મોડલનું નિરીક્ષણ કરશે.
ભાજપના 17 સભ્યો દિલ્હીના વિકાસ અંગે નિરીક્ષણ કરવા પહોંચ્યા છે ત્યારે ભાજપના પ્રતિનીધી મંડળમાં દિલ્હી ગયેલા નેતા અમિત ઠાકરે જણાવ્યું હતું કે અમે તમામ દિલ્હીનો વિકાસ જોવા અહીં આવ્યા છીએ. અમારી સાથે દિલ્હી ભાજપના સંગઠનના આગેવાનો પણ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે આમ આદમી પાર્ટીના કોઈપણ નેતા કે મંત્રીને મળવાના નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને પણ મળવાના નથી.
ગુજરાત ભાજપના 17 સભ્યોની ટીમ બે દિવસ સુધી દિલ્હીમાં રોકાશે. જ્યાં તેઓ આમ આદમી પાર્ટીના દાવા પ્રમાણે દિલ્હીના વિકાસ અંગેના કામોનું નિરીક્ષણ કરશે. આપ દ્વારા જેનો સૌથી વધુ વિકાસ થયો છે તે શિક્ષિણ, સ્કૂલો અને મહોલ્લા ક્લીનિકના વિકાસના કામોનું ભાજપના 17 સભ્યો નિરીક્ષણ કરશે. ભાજપની ટીમનો દાવો છે કે તેઓ કેજરીવાલનો દિલ્હીના વિકાસનો દાવો ખોટા પાડશે અને દિલ્હીના વિકાસની પોલ ખોલશે. મળતી માહિતી પ્રમાણે રમણ વોરા, અમિત ઠાકર, ડો.અનિલ પટેલ, મહેશ કસવાલા, યજ્ઞેશ દવે, જ્યોતિબેન, શિક્ષણવિદ સહિત 2 રાજકીય નિષ્ણાંત તેમજ અન્ય ભાજપના નેતા દિલ્હી પહોંચ્યા છે. તેઓ બે દિવસ દિલ્હીમાં રહી શિક્ષણ, મહોલ્લા ક્લીનિકનું નિરીક્ષણ કરશે.
ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી શિક્ષણના વિકાસ અંગે વોર ચાલી રહી છે. આપ અને ભાજપ બંને આવનારી ચૂંટણીમાં વોટ મેળવવા માટે એકબીજા સામે વિકાસના મોડલ રજૂ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પણ પોતાના 17 સભ્યોની ટીમ બનાવી કેજરીવાલના દાવા પ્રમાણે દિલિહીના વિકાસની પોલ ખોલવા મોકલી આપ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાને આ અંગે જાણકારી મળતા તેમણે એક ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે અખબાર પાસેથી માહિતી મળી છે કે ગુજરાત ભાજપની ટીમ દિલ્હીની સ્કૂલો-મહોલ્લા ક્લીનિક જોવા આવી રહી છે. અમે આ ટીમનું સ્વાગત માટે તેમજ મોહલ્લા ક્લિનિક બતાવવા માટે પાંચ ધારાસભ્યોની ટીમ તૈયાર કરી છે. આપના 5 MLAની ટીમ ભાજપની ટીમને દિલ્હી મોડલ બતાવશે. આ 5 ધારાસભ્યો ભાજપના પ્રતિનિધિ મંડળને જે વિસ્તારમાં કહેશે તે વિસ્તારમાં તેમની સાથે રહીને માહિતી આપશે.