ભરૂચ: ભરૂચમાં (Bharuch) અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરૂચ-દહેજ રોડ પર મઢૂલી સર્કલ પાસે આગળ ચાલતી કારને (Car) ફૂલ સ્પીડે આવતી કારે ટક્કર મારતાં અકસ્માત (Accident) સર્જાયો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં આગળ ચાલતી કારમાં એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. જો કે આ ગંભીર અકસ્માતમાં પરિવારને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અને કોઈ જાનહાનિ થઇ ન હતી. અકસ્માત સર્જી કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત માર્ગ સલામતી સમિતિ મુજબ, 2020 સુધી દર વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક હતો. છતાં રાજ્યમાં નિરંતર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં આજે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. આ ઘટના બની હતી ભરૂચ-દહેજ બાયપાસ રોડ પર. અહીં એક કારચાલક પોતાના પરિવાર સાથે પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન મઢૂલી સર્કલ પાસે સ્પીડ-બ્રેકરને પાર કરતા સમયે પાછળથી પૂરઝડપે આવતા અન્ય કારચાલકે એને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં પરિવારના તમામ સભ્યોને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર કારચાલક ફરાર થઇ ગયો હતો. નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ઘટનાના ફૂટેજ કેદ થયા છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ હજુ સુધી કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી નથી.
રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ રેકોર્ડ મુજબ, 2012માં 27,949 અકસ્માતો નોંધાયા હતા. 2021માં રાજ્યમાં 15,178 અકસ્માતો નોંધાયા હતા. ગુજરાતમાં (Gujarat) નવ વર્ષમાં માર્ગ અકસ્માતમાં (Road Accident) 45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તે હેતુથી પાછલા ત્રણ વર્ષમાં કુલ 48 ટ્રાફિક ઈન્ટરસેપ્ટર વાહનો, 42 હાઈવે પેટ્રોલિંગ કાર, જાહેર જાહેરાત સિસ્ટમ સાથે 511 મોટરસાઈકલ, સેન્સર સાથે 2,816 બ્રેથ એનાલાઈઝર મશીન, 616 ફર્સ્ટ એઈડ બોક્સ, 10,000 બોડી કેમેરા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની ગૃહ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવી હતી.