યુપી: ડ્રગ્સ (Drugs) કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. હાલમાં જ ગુજરાત (Gujarat) ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી કચ્છના દરિયાકાંઠે જખૌથી પાકિસ્તાની (Pakistan) નાગરિકો સાથે 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જે બાદ ATSએ શાહીન બાગમાંથી પકડાયેલા ડ્રગ સ્મગલર હૈદરના મુઝફ્ફરનગરના ઠેકાણામાંથી 150 કિલોથી વધુ હેરોઈન રિકવર કર્યું છે. આ હેરોઈનની કિંમત લગભગ 900 કરોડ રૂપિયા હોય શકે છે.
હૈદરની એનસીબીએ શાહીન બાગના એક ઘરમાંથી ધરપકડ કરી હતી. તેના શાહીન બાગના ઘરમાંથી 50 કિલો હેરોઈન, 30 લાખ રોકડ અને 300 કરોડની કિંમતનો 47 કિલો અન્ય નશો મળી આવ્યો હતો. ગુજરાત ATSએ હૈદરના મુઝફ્ફરનગરના ઘર પાસે પાડોશીના ઘરે દરોડો પાડીને 150 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
વિદેશમાં હાઈ શકે છે કનેક્શન
NCBના DDG જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે ડ્રગ્સ કેસમાં અમે હવાલા બિઝનેસમેન શમીમની લક્ષ્મી નગરથી ધરપકડ કરી છે. તે શાહિદને દુબઈમાં ડ્રગ્સ મની મોકલતો હતો. આ સિન્ડિકેટમાં અત્યાર સુધીમાં કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિન્ડિકેટના વાયરો દુબઈ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલા છે. જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે, અટારી બોર્ડર અને ગુજરાતમાં જે હેરોઈન મળી આવી છે, તેના પરથી લાગે છે કે દરેકનો સ્ત્રોત એક જ છે. એટલા માટે અમારી ટીમ ગુજરાત અને અટારી બોર્ડર પરથી પણ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરશે. અમે પકડેલા આરોપીની પૂછપરછ કરવા કસ્ટમની ટીમ આવી છે.
શાહીન બાગમાં ડ્રગ્સ પકડાયું હતું
આ પહેલા NCBએ દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાંથી 50 કિલો હેરોઈન ઝડપ્યું હતું. આ સિવાય 30 લાખ રોકડા, નોટ ગણવાનું મશીન અને ઘણા કિલો અન્ય ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ હેરોઈનની કિંમત 300 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં ઈન્ડો-અફઘાન સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાનથી ડ્રગ્સનું એક કન્સાઈનમેન્ટ દિલ્હી આવ્યું હતું. ફ્લિપકાર્ટના પેકિંગમાં ડ્રગ્સના તમામ કન્સાઇનમેન્ટ લૉક હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતમાંથી પણ પકડાયું હતું ડ્રગ્સ
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીકથી આશરે રૂ. 280 કરોડનું 56 કિલો ડ્રગ્સ પકડ્યું હતું. આ કાર્યવાહીમાં 9 પાકિસ્તાની માછીમારોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ ફિશિંગની આડમાં બોટ દ્વારા ડ્રગ્સ સપ્લાય કરતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ડ્રગ્સ પાકિસ્તાનથી લાવવામાં આવી રહ્યું હતું.