ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સત્ર હવે વિભાગીય માંગણીઓ મંજૂર થઈ રહી હોવાથી સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે, અલબત્ત કોરોનાના કેસો વધતાં તેને ટૂંકાવવાની શકયતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નકારી કાઢી છે. બજેટસત્ર જ્યારે આખરી પડાવમાં છે ત્યારે વધી રહેલા કોરોના કેસને લઈને વિધાનસભાનું સત્ર ટુકાવવા આવશે તેવી વારંવાર ચર્ચા અને અટકળો ચાલી રહી છે, અલબત્ત આ મુદ્દે સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પૂર્ણવિરામ મૂકી દીધું છે અને કહ્યું હતું કે વિધાનસભાનું સત્ર ટૂંકાવવામાં આવશે નહીં.
ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે રવિવારે રાજ્યભરમાં રસીકરણની કામગીરી ચાલી હતી, આ રસીકરણ દર ૨.૭ લાખ લોકોને રસી આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની રસીનો બીજો જથ્થો પણ સરકારને મળી ચૂક્યો છે આ 13 લાખ જેટલા ડોઝ મળ્યા હોવાનું જણાવ્યું છે.
રાજ્ય સરકાર પાસે કોરોનાની રસીનો જથ્થો ઉપલબ્ધ
તેમણે જણાવ્યું હતું કે વધતા જતા કોરોનાના કેસને લઈને રાજ્યની તમામ હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલ 70 ટકાથી વધારે બેડ ખાલી છે. રાજ્ય સરકાર પાસે કોરોનાની રસીનો જથ્થો ઉપલબ્ધ છે. કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય વિભાગના અધિકારીઓ દિવસ-રાત જોયા વગર સેવા બજાવી રહ્યા છે હાલ વિધાનસભાનું બજેટસત્ર ટૂંકાવવાની કોઇ વિચારણા નહીં હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવી દીધું છે. પત્રકારોને પણ કોરોનાની રસી આપવાના મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વાતચીત ચાલી રહી હોવાનું નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું.