આજે સોમવારથી ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસું સત્ર ચાલુ થયું છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળની પહેલા જ દિવસે કસોટી થઈ હતી. (Gujarat CM Bhupendra Patel) કોંગ્રેસે બિનઅનુભવી મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓને કોરોનાના મુદ્દે બરોબર ઘેર્યા હતા. ન્યાય આપો ન્યાય આપો, કોરોનાના મૃતકોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસે પહેલાં દિવસે વિધાનસભામાં ભારે ધાંધલ ધમાલ મચાવીને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. (Gujarat Assembly congress walkout)
આજે ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થયું છે ત્યારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા મંત્રીઓનું મંત્રી તરીકેનું આ પહેલું સત્ર છે. વિરોધપક્ષ કોંગ્રેસ મંદી, મોઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કોરોના પીડિત લોકોની પિડા અને વેદનાને વાચા અપાવા આક્રમક વ્યુહ અપનાવવાની તૈયારી કરી છે. કોરોના મદ્દે વિધાનસભામાં કોંગ્રેસએ હોબાળો કર્યો હતો. ન્યાય આપો ન્યાય આપો કોરોનાના મૃતકોને ન્યાય આપો ના સૂત્રોચાર કરી કોંગ્રેસે આજે પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં શોક દર્શક ઉલ્લેખો બાદ ગુજરાતના કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના શોક ઠરાવ અંગે કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો.
વિધાનસભા સત્રના શરૂઆત પૂર્વેજ કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પરિસરમાં કોવિડના મૃતક પરિવારને 4 લાખની સહાયની માંગણી સાથેના બેનરો અને ડોક્ટરના એપ્રન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસના સંભવિત વિરોધને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વિધાનસભા તરફ જતી ગાડીઓનું પણ ચેકીંગ ધરવામાં આવ્યું હતું.
કોંગ્રેસે ડ્રગ્સનો મુદ્દો ઉછાળતા વરિષ્ઠ મંત્રીઓની ખોટ સાફ વર્તાઈ, નીતિન પટેલ ચૂપચાપ બેસી રહ્યાં
આજે જ્યારે ડ્રગ્સના લઈને પક્ષમાં પરેશ ધાનાણીએ ઉગ્ર વાત કરી ત્યારે એક સમયે વરિષ્ઠ નેતાઓની ઉણપ ભાજપના નવા મંત્રીઓમાં જોવા મળી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ પણ નવા મંત્રીમંડળને સાથ આપવાના બદલે મોટાભાગે ચૂપ બેસી રહી તમાશો જોતા રહ્યાં હતાં. બીજીતરફ શ્નોત્તરી દરમિયાન એમડી ડ્રગ્સ મુદ્દે વિપક્ષના આક્રમણ સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝઝૂમ્યાં હતા. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંદરોઅંદર ગુફતેગુ કરવામાં વ્યસ્ત હતા. જેથી નવા નિમાવેલા મંત્રીઓમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો કે, પૂર્વ સીએમ અને નાયબ સીએમ સાથ આપવાની જગ્યાએ ચુપ બેસી રહ્યા.
વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્ય અને ઉપાધ્યાક્ષ જેઠા ભરવાડની વરણી, કોંગ્રેસે ભરવાડના નામનો કર્યો હતો વિરોધ
વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ધારાસભ્યોનો મત લેવામાં આવ્યો હતો. જે બાદ પાર્ટીએ રૂપાણી સરકાર વખતે ઉપાધ્યક્ષ રહી ચૂકેલા નિમાબેન આચાર્યને અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમની સર્વાનુમતે વરણી થઈ હતી. પણ ઉપાધ્યક્ષના નામને લઈ કોંગ્રેસ વિરોધ કરી રહી હતી, સરકારે જેઠા ભરવાડને વિધાનસના ઉપાધ્યક્ષ તરીકે નામ મૂક્યું હતું જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ માટે અનિલ જોષીયારાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે બાદ કોંગ્રેસની માંગને નકારી સરકાર દ્વારા બહુમતીને આધારે જેઠા ભરવાડનું વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. જેમાં વિપક્ષ નેતાએ મત વિભાજનની માગણી કરી પણ સરકારે બહુમતીના જોરે ધ્વનિમતની જેઠા ભરવાડને ઉપાધ્યક્ષ પર બેસાડ્યા હતા.
પાટીલે પ્રેક્ષક ગેલેરીમાંથી નવા મંત્રી મંડળની કામગીરી નિહાળી
નવા મંત્રીઓ અને ભૂપેન્દ્ર પટેલના સામે પડકારો હોય તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગૃહ શરૂ થતાં પહેલાં જ ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. ભાજપના દંડકની ઓફિસમાં સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના હલ્લાબોલની મજબૂતાઈથી કેવી રીતે જવાબ આપવો તે અંગે સીઆર એ ધારાસભ્યોને શીખવાડ્યું હતું. ગૃહ શરૂ થયા બાદ સીઆર પાટીલે પ્રેક્ષક ગેલેરીમાંથી નવા મંત્રી મંડળની કામગીરી નિહાળી હતી. પાટીલની સાથે 4 મહામંત્રીઓ પણ હાજર રહ્યા હતા.