SURAT

સુરતમાં 16 બેઠક પર 168 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી, હવે જામશે ખરો ચૂંટણી જંગ

સુરત (Surat): આગામી તા.1 ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election) પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ મુદત ગુરુવારે બપોરે ત્રણ કલાકની હતી. વિતેલી તા.15થી 17 નવેમ્બર દરમિયાન સુરત શહેર જિલ્લાની કુલ 16 વિધાનસભા બેઠક પરથી કેટલાક રાજકીય પક્ષો અને કેટલાક અપક્ષો મળીને કુલ 89 ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. હવે 16 બેઠક પર 168 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે એ નિશ્ચિત બની ચૂક્યું છે. જિલ્લા ચૂંટણી તંત્રએ ગુરુવારે ઉમેદવારીનું ચિત્ર સ્પષ્ટ થતાં બેલેટ પેપર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

તા.17મી નવેમ્બર ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ મુદત બપોરે ત્રણ વાગ્યા સુધીની હતી. એ પૂર્વે 89 ઉમેદવારીપત્ર પરત ખેંચી લેવાયા બાદ ઉદભવેલી સ્થિતિ વિધાનસભા વાઇઝ ઉમેદવારોની સંખ્યા જોઇએ તો ઓલપાડમાં 15, માંગરોળમાં 5, માંડવીમાં 7, કામરેજમાં 8, સુરત પૂર્વમાં 14, સુરત ઉત્તરમાં 9, વરાછા રોડ પર 5, કરંજમાં 8, લિંબાયતમાં સૌથી વધુ 44 ઉમેદવાર, ઉધના બેઠક પર 10, મજૂરા બેઠક પર 4, કતારગામ બેઠક પર 8, સુરત પશ્ચિમમાં 10, ચોર્યાસી બેઠક પર 13, બારડોલી બેઠક પર 5 અને મહુવા બેઠક પર 3 ઉમેદવારો વચ્ચે આગામી તા.1લી ડિસેમ્બરના રોજ ચૂંટણી જંગ ખેલાશે.

સુરત શહેર-જિલ્લાની 16 બેઠક પૈકી એકમાત્ર સુરત પૂર્વની બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે દ્વિપાંખિયો જંગ ખેલાશે, સુરત પૂર્વ બેઠક પર પહેલા આપના સત્તાવાર ઉમેદવાર કંચન જરીવાલાએ અને ગુરુવારે આપના ડમી ઉમેદવારે પણ ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતાં સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપની સ્પર્ધા ચૂંટણી પહેલાં જ નાબૂદ થઇ ગઇ છે. કલેક્ટરે ગુરુવારે સાંજે વિધાનસભા મુજબ મેદાનમાં રહેલા ઉમેદવારોનાં નામઠામ અને ચિન્હ સહિતની વિગતો વડોદરાસ્થિત સરકારી પ્રેસમાં બેલેટ છપાવવા માટે મોકલી આપ્યાં છે. બેલટ પેપર છપાઇને આવ્યા બાદ બેલેટ યુનિટમાં ગોઠવવા કવાયત હાથ ધરાશે.

લિંંબાયતના મતદાન મથકો પર વધુ ઉમેદવારને કારણે 3 બેલેટ યુનિટ હશે
આગામી તા.1લી ડિસેમ્બરના રોજ યોજાનારા ચૂંટણી મતદાન દરમિયાન સુરતની લિંબાયત વિધાનસભા બેઠકનાં તમામ મતદાન મથકો પરના મતદાન બૂથ પર એક નહીં પણ ત્રણ ત્રણ બેલેટ યુનિટ હશે. સૌથી વધુ 44 ઉમેદવારે લિંબાયત વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું છે. આથી તમામને બેલેટ યુનિટમાં સમાવવા માટે ત્રણ યુનિટનું જોડાણ કરવું પડશે. મતદારોએ પણ પોતાના ઉમેદવારને શોધવા માટે બેલેટ યુનિટ ફંફોસવા પડે તેવી સ્થિતિ છે.

2017માં 175 ઉમેદવાર હતા, 2022માં 168 રહ્યા
2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠક માટે કુલ 175 ઉમેદવાર હતા. પાંચ વર્ષ પછી આ વખતે તા.1 ડિસેમ્બર-2022ના રોજ યોજાનારી ચૂંટણીમાં સુરતમાં ઉમેદવારોની સંખ્યા ઘટી છે. આ વખતે 168 ઉમેદવાર સુરત શહેર જિલ્લાની 16 બેઠક પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

સુરત પૂર્વમાંથી આપના ડમી ઉમેદવારે પણ ફોર્મ પાછું ખેંચી લીધું
સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર ઉમેદવારી બાબતે આપના ઉમેદવારો એક પછી એક વિવાદોના કેન્દ્રમાં ફસાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી આ બેઠક પરથી ઉમેદવારી કરનાર આપના ઉમેદવાર કંજન જરીવાલા નાટ્યાત્મક રીતે પહેલા લાપતા થયા, એ પછી આપની વિચારધારાનો મુદ્દો ઊભો કરી ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હતું. હજુ આ વિવાદ પર પૂર્ણવિરામ લાગ્યું નથી. ગુરુવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ મુદત પહેલાં આપના સુરત પૂર્વ બેઠકના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર સલીમ મુલતાનીએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. આ મુદ્દો પર સોશિયલ મીડિયામાં ભારે ગરમાયો હતો. હવે સુરત પૂર્વમાં આપનો એકડો ચૂંટણી પહેલા જ નીકળી ગયો છે.

Most Popular

To Top