Gujarat

સુરત, વડોદરા સહિત 6 એરપોર્ટનું વિસ્તરણ કરાશે, ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટની જાહેરાત

ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની (Airport) વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂરીયાત મુજબ આગળ વધશે. આ ઉપરાંત જે હયાત એરપોર્ટમાં વિસ્તરણની જરૂરીયાત છે તેમાં ભાવનગર, કંડલા, પોરબંદર, સુરત, વડોદરા અને કેશોદના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટ સમાવિષ્ટ છે.

  • રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા
  • સિદ્ધપુર, વડનગર અને કેવડિયામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની દરખાસ્ત વિચારાધીન
  • અંકલેશ્વર, રાજપીપળા સહિત 11 સ્થળે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે

મહેસાણા, અમરેલી અને માંડવીની રાજ્ય સરકારની એર સ્ટ્રીપના વિસ્તરણની પણ જરૂરીયાત સુનિશ્ચિત કરવામાં આવી છે. એટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.
રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે. આ હેતુસર રાજ્ય સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં MoU કરવામાં આવ્યા હતા. આ MoU અનુસાર ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.

એરપોર્ટ ઓથોરિટી ગ્રીનફિલ્ડ અને બ્રાઈનફિલ્ડ એરપોર્ટની વિકાસ-વિસ્તરણની કામગીરી કરશે, ખર્ચ પણ ભોગવશે
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્‍ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. આ કામગીરી તથા MoUની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં ૧૦ સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટીમાં ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ, મહેસુલ સચિવ, સિવિલ એવિએશન ડાયરેક્ટર તથા ગુજસેઇલના સી.ઇ.ઓ સહિત એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

Most Popular

To Top