ગાંધીનગર: (Gandhinagar)) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 154 કેસ (Case) નોંધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 704 થઈ છે. આજે વધુ 58 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં 80, વડોદરા શહેરમાં 22, સુરત (Surat) શહેરમાં 12, વડોદરા ગ્રામ્યમાં 11, ગાંધીનગર શહેરમાં 5, રાજકોટ શહેરમાં 4, મહેસાણા, સુરત ગ્રામ્ય, વલસાડમાં ૩-3, અમદાવાદ ગ્રામ્ય, આણંદ, ભરૂચ, ભાવનગર શહેર, કચ્છમાં 2-2, અને ખેડામાં 1 કેસ નોંધાયો છે.
રાજયમાં શનિવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 43,133 લોકોનું રસીકરણ કરાયું
જેમાં 12 થી 14 વર્ષ સુધીના 542 બાળકોને પ્રથમ ડોઝ, 12 થી 14 વર્ષ સુધીના 2309 બાળકોને રસીનો બીજો ડોઝ, જ્યારે 18 થી વધુ ઉમરના 635 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 16180 બાળકોને રસીનો બીજો ડોઝ, 15 થી 17 વર્ષના 88 યુવક-યુવતીઓને રસીનો પ્રથમ ડોઝ તથા 886 યુવકો-યુવતીઓને રસીનો બીજો ડોઝ તથા 22493 લોકોને રસીનો પ્રીકોશન ડોઝ અપાયો છે. આ સીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 11,05,11,551 લોકોને રસી અપાઈ છે.
નિષ્ણાંતોનું કહેવું છે- કોવિડથી ગભરાવવાની જરૂર નથી, કોઈ નવો વેરિયન્ટ મળ્યો નથી
નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી એમ આરોગ્ય નિષ્ણાતોએ આજે જણાવતા કહ્યું હતું. તેઓનું કહેવું છે કે નવો કોઇ વેરિઅન્ટ ઓફ કન્સર્ન મળી આવ્યો નથી અને અત્યાર સુધીનો કેસનો વધારો કેટલાક થોડાક જિલ્લાઓ સુધી જ મર્યાદિત છે.
તેમણે એ વાત તરફ પણ નિર્દેશ કર્યો હતો કે કોવિડને અનુરૂપ વર્તણૂકનું પાલન નહીં કરવાથી અને લોકોમાં બુસ્ટર ડોઝ લેવા અંગે ઉત્સાહ નહીં હોવાથી સંભવિતપણે ચેપ લાગવાનું જોખમ ધરાવતી વસ્તીનું પ્રમાણ વધ્યું છે. દેશમાં ૧૭ જિલ્લાઓ, જેમાં કેરળના સાત અને મિઝોરમના પાંચ છે તેઓ દસ ટકા કરતા વધુ પોઝિટિવિટી રેટ બતાવી રહ્યા છે. જ્યારે ૨૪ જિલ્લાઓ, જેમાં કેરળના સાત અને મહારાષ્ટ્ર તથા મિઝોરમના ચાર-ચાર છે તેમનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5 થી 10 ટકાની વચ્ચે છે એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
સૌપ્રથમ બાબત તો એ છે કે અમને નવો કોઇ ચિંતાનો વેરિઅન્ટ મળી આવ્યો નથી. ભારતમાં અત્યારે બીએ.૪ અને બીએ.પ તથા વધુમાં બીએ.૨ વેરિઅન્ટો છે, જેમાં ઓમિક્રોનના અન્ય સબ-લાઇનેજની સરખામણીમાં સંક્રામકતા થોડી વધારે છે એમ ડો. એન.કે. અરોરાએ જણાવ્યું હતું જેઓ નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઈઝેશનના અધ્યક્ષ છે. વધુમાં ઉનાળુ વેકેશનને કારણે લોકોનું એક સ્થળેથી બીજા સ્થળે જવાનું પ્રમાણ પણ વધ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે પ્રવાસ નિયંત્રણો હળવા થયા છે અને આર્થિક પ્રવૃતિઓ સંપૂર્ણપણે ખુલ્લી થઇ ગઇ છે. તેને કારણે જોખમ ધરાવતા લોકોમાં ચેપનો ફેલાવો થયો છે. જો કે ગભરાવાની જરૂર નથી પરંતુ ખાસ યાદ એ રાખવાનું છે કે કોવિડ હજી પણ આપણી આજુબાજુ છે જ અને આપણે કોવિડ અનુરૂપ વર્તણૂક રાખવાની છે, ખાસ કરીને ભીડભર્યા સ્થળોએ જવાનું ટાળવું જોઇએ અને માસ્કને આપણી રોજબરોજના જીવનનો ભાગ બનાવવાની જરૂર છે એમ ડો. અરોરાએ કહ્યું હતું.