ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ (Ahmedabad) ખાતે AMC અને ઔડાના કુલ 1651 કરોડના અનેકવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાવ્યું હતું. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમે નાગરિકોને માગ્યા પહેલા જ સુવિધાઓ આપી છે. રાજ્ય સરકારના સર્વસમાવેશી વિકાસના અભિગમની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે વિકાસકાર્યોની ભેટમાં શહેરનો એક પણ વોર્ડ છૂટતો નથી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ છેલ્લા બાવન મહિનામાં 17,544 કરોડના ખર્ચે 11,000 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. જેના બદલ ગાંધીનગરના સાંસદ તરીકે તેમણે રાજ્ય સરકારનો આભાર માનીને સ્થાનિકોને અભિનંદન પાઠવ્યા હતાં.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, કોગ્રેસની સરકારમાં એક કામ કરતા ૫૦ વર્ષ લાગે એવા ચાર કામ પીએમ નરેન્દ્ર મોદીએ 20-20 રમતા હોય તે રીતે માત્ર ત્રણ મહિનામાં પૂર્ણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનની આગેવાનીમાં G20 સમિટનું અભૂતપૂર્વ આયોજન વિશ્વ સ્તરે ખ્યાતિ પાત્ર બન્યું જેમાં સર્વાનુમતે દિલ્હી ડેકલેરેશનની સ્વીકૃતિ સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, આફ્રિકન યુનિયનને G20 સંગઠનમાં સમાવી પીએમ મોદીએ ભારત વિકસિત અને વિકસતા દેશોની સાથે છે તેવો સંદેશ વિશ્વને આપ્યો છે. ચંદ્રયાન પર તિરંગો લહેરાતો નિહાળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે. ઈસરોને વિશ્વની શ્રેષ્ઠ અવકાશ સંસ્થા બનાવવાનો લક્ષ્ય પીએમ મોદીએ રાખ્યો હોવાનું જણાવી તેમણે ઇસરોના કાયાપલટનો શ્રેય પીએમ મોદીને આપ્યો હતો. પીએમ મોદીએ 33 ટકા મહિલા અનામત સાથે માતૃશક્તિના સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ નારી શક્તિ વંદના અધિનિયમ થકી આપ્યું છે.
તેમણે કહ્યું કે આ કાયદાથી મહિલા શક્તિને નેતૃત્વમાં ભાગીદારી આપી મહિલા સન્માનના આપણા પ્રાચીન સંસ્કારોને કાયદાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. નવી સંસદમાં પહેલું બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે મહિલાઓનું સન્માન વધાર્યું છે.પીએમ વિશ્વકર્મા યોજનાની પ્રશંસા કરી શાહે કહ્યું હતું કે, 20થી વધુ પ્રકારનું કામ કરતા કારીગરોને એક તાંતણે બાંધવાનું કામ આ યોજનાથી થયુ છે. આઝાદી બાદ પહેલીવાર પરંપરાગત કામ કરતા કારીગરોને યોજનામાં સામેલ કરાયા છે. જેનાથી છેવાડાના માનવીઓને સમાનતાનો અહેસાસ થયો છે.
આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં AMC ની ટીમને રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ પ્રોજેક્ટ માટે એવોર્ડ પ્રાપ્ત થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પીએમ મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં નગરો – મહાનગરોમાં નાગરિકોની ‘ક્વોલિટી ઓફ લાઇફ’ અને ‘ઇઝ ઓફ લિવિંગ’ વધે તેવા અનેકવિધ વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પીએમ મોદી અને અમિત શાહે ‘કહેવું તે કરવું’ નો ધ્યેય મંત્ર આપ્યો છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તાર દેશનો શ્રેષ્ઠ અને હરિયાળો મતવિસ્તાર બને તે માટે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી પાયાની સુવિધાઓ ખૂબ જ ઝડપથી પરિપૂર્ણ કરવામાં આવ્યા છે.