અમદાવાદ: 31મી ડિસેમ્બર, નવા વર્ષની ઉજવણી માટે યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળતો હોય છે. નવા વર્ષની ઉજવણીમાં ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોય છે, તેવામાં અમદાવાદમાં 31મી ડિસેમ્બરને પગલે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અભિયાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેમાં એક જ દિવસમાં 40 લોકો સામે દારૂની ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં 1.60 લાખનો દારૂ જપ્ત કર્યો છે.
- પોલીસ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અભિયાન, ત્રણ દિવસમાં 132 કેસમાં 96 લોકોની ધરપકડ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અંતર્ગત ગુનો દાખલ કરનાર પોલીસકર્મીને 200 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં આજે એક જ દિવસમાં દારૂ અંગેની 40 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અભિયાનમાં દારૂના 132 કેસમાં 96 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં નાતાલ પર્વ અને ખાસ કરીને 31મી ડિસેમ્બરના રોજ જુદી જુદી પાર્ટીઓમાં દારૂની મહેફિલ યોજાતી હોય છે. આવી મહેફીલો સામે પોલીસે કડક વોચ ગોઠવી દીધી છે.