વલસાડ : વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને બુધવારે સાંજે આમ આદમી પાર્ટીના (AAP) પ્રચાર માટે દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે વલસાડમાં (Valsad) રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમણે સ્કૂલો, હોસ્પિટલોની વાત કરી મોરબી પુલ હોનારત અંગે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.
- વલસાડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શો દરમ્યાન ભાજપ સરકાર પર પ્રહાર કર્યા
- ઘડિયાળ બનાવનારી કંપનીને પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ ભાજપે આપ્યો : કેજરીવાલ
- કેજરીવાલે વીજળીનું બિલ ફ્રી કરવાની જાહેરાત કરી
વલસાડ બેઠક પર આમ આદમીના ઉમેદવારના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ બુધવારે વલસાડ આવ્યા હતા. તેમણે રામરોટી ચોક પરથી રોડ શો શરૂ કર્યો હતો. ત્યારબાદ આઝાદ ચોક પર તેમણે પોતાની કારમાંથી જ લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, હું ભણેલો ગણેલો વ્યક્તિ છું. એન્જિનિયર છું. મને સ્કૂલો બનાવતા આવડે છે. હોસ્પિટલો બનાવતા આવડે છે. તમારે સ્કૂલ જોઈતી હોય, હોસ્પિટલ જોઈતી હોય તો મને મત આપો. બસ 5 વર્ષ મને આપો. હું શિક્ષણ, આરોગ્ય, રસ્તા, રોજગારી ઉપર કામ કરીશ.
ગુજરાતમાં ભાજપે 27 વર્ષમાં ન કર્યું તે હું 5 વર્ષમાં કરી બતાવીશ. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઘડિયાળ બનાવનારી કંપનીને પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. ભાજપને અહંકાર, ઘમંડ આવી ગયો છે. તેમને લાગે છે, લોકો ક્યાં જવાના. મત તો અમને જ આપવાના. અમારે આ ઘમંડ તોડી એક સ્વચ્છ સરકાર આપવી છે. તેમણે દિલ્હીની પોતાની ઉપલબ્ધિ ગણાવી ગુજરાતમાં પણ દિલ્હી મોડેલ સ્થાપવાની વાત કરી હતી અને વીજળીનું બિલ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. કારમાંથી પોતાના ભાષણ બાદ તેમણે એમજી રોડ વીપી રોડ પર રોડ શો કરી અંબા માતાના મંદિર પાસે રોડ શો પૂરો કર્યો હતો.