Gujarat

ગુજરાતમાં આટલી ગંદકી? સ્વચ્છતા અભિયાન અંતર્ગત 301 ટન કચરો એકત્ર કરાયો

ગાંધીનગર: ૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. ગુજરાતમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪” પખવાડિયાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૫૭ નગર પાલિકાઓમાં આ અભિયાનને વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે.

શહેરી વિકાસ વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં ૧,૧૪,૨૨૫થી વધુ નાગરીકોએ સફાઈ ઝુંબેશમાં જોડાઈને ૧,૦૦,૪૩,૨૯૫ કલાકનું શ્રમદાન હાથ ધરીને ૩૦૧ ટન કચરો એકત્રિત કર્યો છે. જે પૈકી ૨૮૯ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૨૧૨૧ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.

તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના ૨૦૫૮ મુખ્ય રસ્તાઓ, ૬૬૪ માર્કેટ વિસ્તાર, ૨૫૭૪ કોમર્શીયલ વિસ્તાર, ૫૩૫૭ રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ સાથે કુલ ૭૧૪ બ્લેક સ્પોટની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. તેમજ રાજ્યની મહાનગરપાલિકા અને નગર પાલિકાઓમાં કુલ ૨૫૦ રેડ સ્પોટ (પાનની પિચકારી), ૨૩૩ યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે, સાથે જ ૧૫૮૯ કમ્યુનિટી/જાહેર શૌચાલય અને યુરીનલની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. રાજ્યની મહાનગરપાલિકા/નગર પાલિકાઓમાં સ્વચ્છતા સંદર્ભે જન જાગૃતિ કેળવાય તે આશયથી ૭૬થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top