અમદાવાદ: રાજ્યની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી)એ સમગ્ર દેશમાં ટોપ-100 શ્રેષ્ઠ ફાર્મસી કૉલેજ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રિય શિક્ષણ રાજ્યમંત્રી રાજકુમાર રંજનસિંહ દ્વારા જાહેર કરાયેલા નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કમાં (NIRF) જીટીયુ-જીએસપી સમગ્ર દેશમાં 71માં ક્રમે રહી છે.
ગુજરાતમાંથી ફાર્મસી કૉલેજની કેટેગરીમાં કુલ 27 કૉલેજોએ અરજી કરેલી હતી. જીએસપી ગુજરાતમાં 6ઠ્ઠા ક્રમે, જ્યારે દેશભરમાં 71માં ક્રમે રહીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ અંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, અદ્યતન હાઈટેક લેબોરેટરીઝ, રીસર્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી વિવિધ પ્રવૃત્તિઓને કારણોસર NIRF રેન્કિંગમાં જીટીયુ-જીએસપી સ્થાન પામ્યું છે. જીટીયુ-જીએસપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, NIRF દ્વારા છેલ્લા 3 વર્ષના મુખ્ય 5 ક્રાઈટેરીયા આધારીત ડેટા પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં ટીચીંગ લર્નિંગ રીસોર્સિસ, રીસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટકમ, આઉટરીચ અને ઈન્ક્લુઝિવિટી અને પીયર પર્ફોર્મન્સ વગેરે જેવા ક્રાઈટેરીયામાં શ્રેષ્ઠ દેખાવના પરિણામે જ જીએસપી આ રેન્કિંગ મેળવવામાં સફળ રહ્યું છે. રાજ્યમાંથી જીટીયુ સહિત અન્ય 7 કૉલેજોએ પણ ટોપ-100માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.