નવી દિલ્હી: કોરોના મહામારીમાંથી (Corona Pandamic) લોકો હજી માંડ ઉભર્યા છે ત્યારે H3N2 વાયરસ (H3N2 Virus) દેશમાં એક્ટિવ થયો છે. જેના કારણે ફરી એકવાર સરકારે ગાઈડલાઈન્સ (Guidelines) બહાર પાડી છે. કોરોના મહામારી જેવી સ્થિતિ ફરી ઊભી ન થાય તે માટે સરકારે માસ્ક (Mask) અને સેનિટાઈઝર (Sanitizer) ફરિયાજ કર્યા છે. ત્યારે હવે આ મામલે ઉત્તરાખંડ સરકાર પણ એલર્ટ જોવા મળી છે. ચારધામ યાત્રા (Chardham Yatra) પહેલા રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.
ચારધામ યાત્રાની શરૂઆત પહેલા રાજ્ય સરકાર ઈન્ફલ્યુએન્ઝા-Aના H3N2 સબ-વેરિયન્ટને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. પર્યટન મંત્રી સતપાલ મહારાજે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા-એના સબ-વેરિઅન્ટ H3N2નું જોખમ સતત વધી રહ્યું છે. તેથી તેના નિવારણ માટે તે જરૂરી છે કે તમામ લોકો માસ્ક પહેરે અને સેનિટાઇઝરનો ઉપયોગ કરતી વખતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરે.
સતપાલ મહારાજે રાજ્યના લોકોને તેમજ ઉત્તરાખંડ આવતા પ્રવાસીઓને અનુરોધ કર્યો છે કે ઈન્ફલ્યુએન્ઝા-એના સબ-વેરિયન્ટનું જોખમ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ ગાઈડલાઈન્સનું પાલન કરે અને માસ્ક પહેરે તે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા માટે 267434 મુસાફરોએ તેમનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. તેથી, ઈન્ફલ્યુએન્ઝા-A ના સબ-વેરિઅન્ટ H3N2 નું જોખમ પણ અનેકગણું વધી ગયું છે. આને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવાની જરૂર છે.
સતપાલ મહારાજે જણાવ્યું કે 18 ફેબ્રુઆરી 2023થી શરૂ થયેલા ચારધામ યાત્રીઓના રજીસ્ટ્રેશન હેઠળ કેદારનાથ માટે 147240 યાત્રીઓ અને બદ્રીનાથ માટે 120194 યાત્રીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 267434 યાત્રીઓએ કેદારનાથ અને બદ્રીનાથ માટે પોતાની નોંધણી કરાવી છે. પ્રવાસન મંત્રીએ કહ્યું કે ચાર ધામ યાત્રાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પર્યટન વિભાગ સંપૂર્ણ તત્પરતાથી કામ કરી રહ્યું છે. ગઢવાલ મંડલ વિકાસ નિગમ ગેસ્ટ હાઉસ માટે 16 ફેબ્રુઆરી 2023થી શરૂ થયેલા બુકિંગ હેઠળ અત્યાર સુધીમાં 43360478 જેટલી રકમ બુક કરવામાં આવી છે.
યાત્રા ક્યારે શરૂ થાય છે?
આ વખતે ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થશે. કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથના દરવાજા 27 એપ્રિલે ખુલશે. પરંપરા અનુસાર, અક્ષય તૃતીયાના દિવસે 22મી એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલશે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. પ્રવાસન વિભાગનું પોર્ટલ સવારે સાત વાગ્યે ખુલી જશે. ભક્તો પ્રવાસન વિભાગની વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in અથવા વોટ્સએપ નંબર 8394833833 અથવા ટોલ ફ્રી નંબર 1364 દ્વારા પણ નોંધણી કરાવી શકે છે.