સંવત્સર એટલે એક વર્ષનો કાળ, ૩૬૫ દિવસો. હિન્દુ પંચાંગ પ્રમાણે દરેક દિવસ, તિથિ, પ્રહર, માસ અને સંવત્સરનું અલગ વિશિષ્ટ મહત્ત્વ છે. ‘પંચાગ’ એટલે દિનમાનના પાંચ અંગોની માહિતી, એમાં તિથિ – નક્ષત્ર – યોગ અને કરણ એમ પાંચ અંગો છે. વર્ષ બદલાય એટલે સંવત્સર બદલાય છે. તેનાં પણ સુયોગ્ય નામો છે. એ નામ પર વર્ષ સ્થિતિનો અંદાજ આવે છે.
હિન્દુ પંચાંગમાં બે સંવત્સરો ચાલે છે, એક વિક્રમ સંવત જે આસવ માસમાં પૂરું થાય છે અને કાર્તિક માસમાં શરૂ થાય છે. હાલમાં ‘પરિધાવીનામ સંવત્સર’ છે અને આગળ ‘પ્રમાદીનામ’ સંવત્સર આવશે. પાડોશી રાજય મહારાષ્ટ્રમાં તથા દક્ષિણ ભારતમાં શાલિવાહન શક સંવત્સર પ્રમાણે વર્ષની ગણતરી થાય છે. શાલિવાહન શાક ફાગણ માસે પૂર્ણ થાય છે અને ચૈત્ર માસના પડવાથી શરૂ થાય છે. જે ગુડી પડવો તરીકે ઉજવાય છે. હાલમાં શાલિવાહન શાક ૧૯૪૨ શાર્વરી સંવત્સર ચાલુ છે અને ચૈત્ર સુદ એકમથી શ્રી શાલિવાહન શાક ૧૯૪૩ ‘પ્લવ’ નામે સંવત્સર શરૂ થશે. જે ગુડી પડવો તરીકે મહારાષ્ટ્રમાં તથા અહીં ગુજરાતમાં ઉજવાય છે કારણ વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડ મહારાષ્ટ્રમાંથી આવ્યા હતા અને તેથી આ દિનનો ઉત્સવ ગાયકવાડ સંસ્થાનમાં બધા જ ઉજવતા હતા.
આ ઉત્સવ કોઇ વિશિષ્ટ સમાજનો કે જ્ઞાતિનો નથી પણ સમગ્ર ભારતમાં અલગ અલગ નામથી આ તહેવાર ઉજવાય છે. આ દિવસનું મહત્ત્વ એટલે છે કે આ દિવસે બ્રહ્મદેવે કાલ-ગણનાની શરૂઆત કરી હતી. શ્રીરામ – રાવણનો વધ કરીને આ જ દિવસે અયોધ્યામાં પ્રવેશ્યા હતા. શ્રીકૃષ્ણ અવતારમાં પણ કૃષ્ણે પૂતના રાક્ષસીને માર્યાં હતાં. આ દિવસનું પૌરાણિક, ઐતિહાસિક, સામુદ્રિક મહત્ત્વ છે. વિષ્ણુ ભગવાનનો ‘મત્સ્ય’ અવતારનો આ જ દિવસ હતો, શ્રીરામે વાલીના અસહ્ય ત્રાસથી પ્રજાને મુકિત આપી છે તે દિવસ પણ ગુડી પડવો છે.
ગુડી પડવો એ મહા પર્વની વિજયપતાકાનું રૂપ છે. આનંદોત્સવ માણવાની પ્રથા છે. એક સમય જયારે દક્ષિણમાં રામદેવરાવ યાદવનું રાજશાસન હતું. પ્રજા સુખી હતી, સમૃધ્ધિ અને વૈભવનું શાસન હતું. તે સમયે વિદેશી શાસકો વારંવાર દેવગિરિના રાજય પર આક્રમણ કરીને ઉપદ્રવ કરતા હતા. પ્રજા વિવશ થઇ હતી. કોઇનામાં ઉત્સાહ કે શકિત ન હતી. ત્યારે રાજા શાલિવાહનનું શાસન હતું. તે ધાર્મિક અને પ્રજાહિત દક્ષ હતો. એની સેના પણ નિરાશ થઇ હતી. સેનામાં શૂરત્વ, વીરત્વ લાવવા માટે એણે પ્રયત્નો કર્યા, પ્રજાપતિ હોવાને નાતે, માટીના સૈનિકો, ઘોડાઓ, હાથીઓ અને શસ્ત્રો બનાવ્યાં અને પોતાની સેનાને કહ્યું, ‘તમે કેમ નિસ્તેજ થયા છો? તમે નહિ લડશો તો મેં આ માટીની સેના કરી છે તે શત્રુ સામે લડશે’ અને એમણે પોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરી. ‘હે કુળદેવ! મારા સૈન્યો નાઉમેદ થયા છે, તો આ માટીનાં સૈન્યોમાં પ્રાણ પૂરીને શકિત આપો, જેથી હું મારી પ્રજાનું રક્ષણ કરી શકું.’
શાલિવાહનની તપસ્યા, નિગ્રહ, શ્રદ્ધા અને વિશ્વાસ જોઇને મૂળ સૈન્યોમાં પણ અદ્ભુત ચૈતન્ય શકિત અને દૈવી બળ આવ્યું અને સેનાએ વિદેશી આક્રમણનો સામનો કરી તેને ભગાડી દીધા. મૃતવત માટીની જેમ થયેલ સેના ફરી પ્રાણવાન થઇને સામનો કરી શકી અને જે અસંભવિત વિજય મળ્યો તે દિવસ પણ ચૈત્ર સુદ પડવો હતો. ત્યારથી વિજય ચિહ્નરૂપે ગુડી ઉભારવાની પ્રથા ચાલુ થઇ છે.
ગુડી પડવાના દિવસે પુરુષાર્થી, વીર, પરાક્રમી બનવાની પ્રતિજ્ઞા કરવાની છે. ભોગો પર યોગ કરીને વિજય મેળવવાનો છે, વૈભવ સાચવીને વિભૂતિને પ્રસન્ન કરવાની છે, વિકારો પર વિચારોનો ઘા કરીને વિજયી બનવું છે. સ્વાર્થી, મત્સરી, લોભી અને કૃતઘ્ન વિચારોને મારવા છે. સાત્ત્વિક, સુશીલ, સુવિદ્ય બનવું છે. રાષ્ટ્રાભિમાની બનીને દેશસેવા કરવાનો સંકલ્પ કરવો છે. ઘરઘરમાં વિજયની સાત્ત્વિકતાની, નિષ્ઠાની, વિશ્વાસની ગુડી ઊભી કરીને અમારે બધાએ મળીને એકત્વ લાવવું છે.
એક વાંસની લાકડી પર, નવું વસ્ત્ર નાંખીને, એના પર ફૂલમાળા, કડવા લીમડાના ફૂલપર્ણો, સાકરગાઠીમાળા એના ઉપર એક કોઇ પણ ધાતુનો લોટો ઊંધો મૂકી ગુડીનો શૃંગાર કરાય છે.
આ દિવસે વડીલો અને વીરોનું સન્માન કરાય છે. આપણું ખરું સામર્થ્ય બતાવવાનો આ દિવસ છે. હિંગ – જીરૂં – મીઠું – સાકર અને કડવો લીમડો મિક્સ કરી પ્રસાદ ખાવાથી શરીરની પાચકશકિત વધે છે. ગુડી વીરત્વ, સમૃદ્ધિ, વૈભવ, સન્માન અને નિષ્ઠાનો સમન્વય છે. ગુડીપડવો મુબારક.