Gujarat

ગુજરાતના આ શહેરમાં પોલીસને સૌથી વધુ 136 વખત પબ્લિકનો માર પડ્યો

ગાંધીનગર: (Gandhinagar) પોલીસ (Police) પ્રજાની (Public) રક્ષા માટે હોય છે, પરંતુ ક્યારેક પોલીસ અને પ્રજા વચ્ચે પણ ઘર્ષણ ઉભું થયું હોય છે અને આવા કિસ્સામાં પબ્લિક પોલીસ સાથે મારામારી પણ કરતી હોય છે. આખાય દેશમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે. ગાંધીના ગુજરાતમાં પણ આવા હિંસક બનાવો બનતા રહે છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં ગુજરાતમાં વર્ષ 2019 દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે મારપીટના કેટલાં બનાવ બન્યા તેના આંકડા જાહેર થયા છે, જે ચોંકાવનારા છે.

  • વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા 2019-2020 બે વર્ષના આંકડા જાહેર કરાયા
  • બે વર્ષમાં રાજ્યમાં પોલીસ પર કુલ 592 વખત હુમલા થયા
  • અમદાવાદમાં બે વર્ષમાં સૌથી વધુ 136 વખત પબ્લિકે પોલીસને માર માર્યો
  • અમદાવાદ બાદ સુરત બીજા ક્રમે, અહીં 62 વખત પબ્લિકે પોલીસ પર હુમલો કર્યો

વિધાનસભામાં જાહેર કરાયેલા આંકડા અનુસાર ગુજરાતમાં વર્ષ 2019 દરમિયાન કુલ 292 અને 2020માં 300 વખત પોલીસને નાગરિકો દ્વારા માર મારવામાં આવ્યો હોવાના બનાવ બન્યા છે. 2020માં કોરોનાના લીધે 3 મહિના લોકડાઉન હતું. ત્યાર બાદ લાંબો સમય સુધી લોકોને કોરોના સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરાવવાના લીધે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું છે. નાગરિકો દ્વારા પોલીસને માર મારવાની સૌથી વધુ ઘટના ગુજરાતના અમદાવાદ શહેરમાં બની છે. અહીં 136 વખત પબ્લિકે પોલીસને માર માર્યો છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને લલિત વસોયા દ્વારા રાજ્યમાં વર્ષ 2019 અને વર્ષ 2020માં પોલીસને મારવાની કેટલી ઘટના બની છે તે સંદર્ભનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો જવાબ આપતા રાજ્ય સરકારે કહ્યું કે, વર્ષ 2019માં અમદાવાદ શહેરમાં સૌથી વધુ વખત 70 અને 2020માં 66 વખત પોલીસને માર મારવાની ઘટના બની છે.

પોલીસને માર મારવાના બનાવમાં અમદાવાદ પછી સુરત બીજા ક્રમે છે. 2019માં સુરતમાં પોલીસ પર હુમલાના 31 અને 2020માં પણ 31 કિસ્સા નોંધાયા છે. સુરત બાદ આણંદમાં બે વર્ષમાં સૌથી વધુ 35 કિસ્સા બન્યા છે. ડાંગમાં 2020માં પોલીસ પર હુમલાની એક પણ ઘટના બની નથી. 2019માં એક માત્ર ઘટના બની હતી.

Most Popular

To Top