સુરત: (Surat) રાજ્ય જીએસટી (GST) વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગે (Enforcement Wing) ગુરુવારે સુરતમાં છ ફર્નિચર વિક્રેતાઓના (Furniture seller) શો-રૂમ, ગોડાઉન, ઘર, ઓફિસ સહિત 33 સ્થળે દરોડા (Raid) પાડ્યા હતા. બે દિવસ સુધી ચાલેલા આ ઓપરેશન (Operation) દરમિયાન વિભાગે તમામ જગ્યાએથી લેપટોપ, મોબાઈલ, કમ્પ્યૂટર સહિત મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તપાસ બાદ જંગી રકમની કરચોરી ઝડપાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
GST વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય GST વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગે આદિનાથ ફર્નિચર, અલ્ટા વિસ્ટા ટ્રેડર્સ, સાર્ક ફર્નિચર, લાઇફ સ્ટાઇલ ફર્નિચર, ફર્નિચર કન્સેપ્ટ્સ અને આરએમઆર ફર્નિચર ઓપરેટર્સના શો-રૂમ, ગોડાઉન, ઓફિસમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી. જીએસટી વિભાગ દ્વારા કરચોરી શોધી કાઢવા માટે સિસ્ટમ એનાલિસીસ ડેટાનો ઉપયોગ કરી ફર્નિચર કોમોડિટીના ટેક્સ કોમ્પ્લાયન્સ યોગ્ય રીતે નહીં થતું હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું અને તે પછી સુરતમાં ૬ ફર્નિચર ઉત્પાદકો અને વિતરકોના શો રૂમ, ઘરો, ફેક્ટરી અને ગોડાઉન સહિત 33 જગ્યાએ સર્ચ (Search) ઓપરેશન હાથ ધરાયું હતું. વિભાગે બે દિવસ સુધી કાર્યવાહી ચાલુ રાખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લોકોએ યોગ્ય રીતે રિટર્ન (Return) ફાઈલ કર્યું ન હતું અને તેમના ખાતામાં અન્ય ઘણી ગેરરીતિઓ હતી. વિભાગે મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. વિભાગને શંકા છે કે, આ લોકો બિલ વગર ફર્નિચર વેચતા હતા.
સેઝમાંથી બોગસ નિકાસ દર્શાવી ૨૦ કરોડની રિફંડ મેળવવાના ૧૫ કંપનીના કૌભાંડમાં પણ સુરતની ૩ કંપની સામે કાર્યવાહી કરાઈ
સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં(Special Economy Zone) કસ્ટમ (Custom) વિભાગ પાસે રિફંડ (Refund) મેળવવા લેટર ઓફ અન્ડર ટેકિંગ આધારિત નિકાસ દર્શાવી ૨૦ કરોડનું સીજીએસટી અને એસજીએસટી વિભાગ પાસેથી રિફંડ ઉસેટી લેનાર અમદાવાદ અને સુરતની ૧૫ કંપની સામે સ્ટેટ જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે. તેમાં પણ સુરતની ૩ કંપનીની ભૂમિકા બહાર આવી છે. આ કંપનીઓમાં હજીરા રોડની મે. આર્મા ફેબ, ભેસ્તાન-નવસારી રોડની જય ફેબ ટેક્સ અને નાનપુરાના સરનામે નોંધાયેલી વિમ્લોન ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલનો સમાવેશ થાય છે. આ કૌભાંડના માસ્ટર માઇન્ડ દ્વારા EXPIFT IMPEX પ્રા. લિ. દ્વારા રિફંડના ક્લેઇમ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સેઝમાં ઝીરો રેટેડ સપ્લાય દર્શાવી રિફંડની માંગ કરવામાં આવી હતી. આ મામલામાં સ્ટેટ જીએસટીને શંકા જતાં અમદાવાદના જીવરાજ મહેતા બ્રિજના એક બંધ મકાનમાંથી સંખ્યાબંધ પેઢીઓને લગતાં ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ડોક્યુમેન્ટમાં રેડિમેન્ટ ગારમેન્ટ, લેધર આર્ટિકલ અને જ્વેલરીની નિકાસ આફ્રિકા અને દુબઇમાં દર્શાવી બોગસ બિલો થકી ૨૦ કરોડનું રિફંડ મેળવવામાં આવ્યું હતું.