સુરત(Surat): જીએસટી (GST) વિભાગે બુધવારે સુરતના કાપડના (Textile) ત્રણ વેપારી (Traders) પેઢીમાં સર્ચ (Search) ઓપરેશન હાથ ધરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ છે. ત્રણ વેપારી સંસ્થાના 8 સ્થળે વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તમામ સ્થળેથી વિભાગને ખરીદ-વેચાણ તથા સ્ટોકના ઘણા ડોક્યુમેન્ટ હાથ લાગ્યા છે. મોડી રાત્રે પણ કાર્યવાહી ચાલી રહી હતી. હજુ ઘણા ડોક્યુમેન્ટ હાથ લાગી શકે એવું છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા જીએસટી વિભાગે બિલ્ડર્સના પેઢીમાં સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ હવે કાપડ વેપારીઓની પેઢીમાં કાર્યવાહી હાથ ધરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
- રિંગરોડ, પાંડેસરા અને સચિન વિસ્તારમાં આવેલી દુકાન, યુનિટ તેમજ રહેઠાણ મળી 8 સ્થળને આવરી લેવાયા
- જીએસટી વિભાગને શંકા છે કે આ પેઢીઓ દ્વારા વેચાણના ખોટા આંકડાઓ બતાવીને જીએસટીની ચોરી કરવામાં આવી રહી છે
જીએસટી વિભાગે ત્રણેય વેપારીઓની રિંગરોડ, પાંડેસરા અને સચિન વિસ્તારમાં આવેલી દુકાન, યુનિટ તથા રહેઠાણ મળીને કુલ 8 જગ્યાને તપાસમાં આવરી લીધી હતી. જીએસટી વિભાગને શંકા છે કે આ ત્રણેય વેપારી પેઢીએ વેચાણના ખોટા આંકડાઓ બતાવીને જીએસટી ચોરી કરી છે તેથી જીએસટી વિભાગે તમામ જગ્યાઓ પરથી વેપારીઓ પાસેથી બીલબુક, વેચાણબુક સહિતના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. વિભાગ હવે એ તપાસ કરશે કે જે ગ્રાહકોએ આ ત્રણ વેપારી પેઢી પાસેથી કાપડની ખરીદી કરી હતી તેઓએ બિલ સાથે કાપડની ખરીદી કરી હતી કે બિલ વગર કાપડની ખરીદી કરી હતી. મોડી રાત્રે પણ જીએસટીના અધિકારીઓની કામગીરી ચાલુ હતી. ખાસ ઉલ્લખનીય છે કે બે મહિના પહેલા જીએસટી વિભાગે ઓછો ટેક્સ ભરનારા બે વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
આ અગાઉ પણ બોગસ પેઢીઓ બનાવી બોગસ બિલિંગના આધારે કરોડો રૂપિયાની ઈનપુટ ટેક્સ ક્રેડીટ ચોરીના કેસો સુરતના કાપડઉદ્યોગમાં બની ચૂક્યા છે, જેના પગલે જીએસટીના અધિકારીઓ વધુ સચેત થયા છે. હવે જીએસટીના અધિકારીઓએ કાપડ માર્કેટમાં કરચોરી કરતા વેપારીઓને પકડવા માટે વિશેષ સ્કવોડ બનાવી છે, જે કાપડના વેપારીઓના ટ્રાન્ઝેક્શન પર વોચ રાખી રહી છે.