સુરત: (Surat) ઇકોનોમી સેલમાં હાલમાં જીએસટી (GST) કૌભાંડનાં ફ્રોડ બિલોની (Fraud Bill) તપાસની શરૂઆત કરવામાં આવતાં કમિ. અજય તોમર ચોંકી ઊઠ્યા છે. આ મામલે તેઓ દ્વારા ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે. તેમાં ઇકોનોમી સેલમાં હાલમાં ફ્રોડ બિલોમાં સુફિયાન નામના કૌભાંડીના ઇશારે અરજીઓ કરાવવામાં આવી રહી છે. સુરત શહેરના સંખ્યાબંધ નાના-મોટા વેપારીને (Traders) ઇકોનોમી સેલમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી હોવાની વિગત કમિ અજય તોમરને મળી છે. પોલીસ કમિ. અજય તોમરે (Police Commissioner Ajay Tomar) આ મામલે આખી તપાસ પોતાના હાથમાં લીધી છે. દરમિયાન આ મામલે ગૃહ મંત્રાલયમાં ફરિયાદ થઇ હોવાની વિગતો જાણવા મળી છે.
- કુખ્યાત સુફિયાન અને ઇકોનોમી સેલના અધિકારીઓ વચ્ચે સાઠગાંઠ હોવાની શંકા
- કમિ અજય તોમર કહે છે: ‘જો કોઇ અધિકારીએ ખોટું કર્યું હશે તો છોડાશે નહીં’
- સેંકડો વેપારીની સમન્સ કાઢીને પૂછપરછ કરાઈ, એસીપી અને પીઆઇ શંકાના દાયરામાં
- દોઢ હજાર કરોડના ફ્રોડ બિલમાં ઇકોનોમી સેલને રસ પડતાં વિવાદ, દોઢ હજાર કરોડનાં ફ્રોડ બિલ બનાવનાર સુફિયાન અને ઇકોનોમી સેલ વચ્ચે શું સાઠગાંઠ?
કેવી રીતે વેપારીઓને રંજાડાયા હોવાના આક્ષેપ
— આ મામલે દોઢ હજાર કરોડના ફ્રોડ બિલ બનાવનાર સુફિયાન અને સ્થાનિક પોલીસ વચ્ચેની ભૂમિકા શંકાના દાયરામાં છે.
— અગાઉ જીએસટી અને ડીજીસીઆઇ તે સુફિયાનની ધરપકડ કરી ચૂકી છે
— હવે દોઢ હજાર કરોડનાં બિલો ઇસ્યુ કરનાર સૂફિયાન પોલીસના સંપર્કમાં અગાઉ આવ્યો હતો.
— તેણે લાખોનાં બિલો કોને આપ્યાં છે તે મામલે પોલીસનો બાતમીદાર બન્યો હોવાની વાત છે.
— હવે સુફિયાનના ઇશારે પોલીસ દ્વારા શહેરના નિકાસકારો અને વેપારીઓને બોલાવીને પૂછપરછ કરાઇ હોવાની વિગત જાણવા મળી છે.
— આ મામલે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહીં હોવાની વિગત જાણવા મળી છે.
ઇકોનોમી સેલમાં ઉચ્ચ અધિકારીઓએ કમિ. તોમરને અંધારામાં રાખ્યા
અમે કમિ. અજય તોમર સાથે વાત કરી ત્યારે તેઓએ આ આખા મામલે આશ્વર્ય વ્યક્ત કર્યું હતું. તેઓએ કહ્યું કે જીએસટી મામલે પોલીસ શા માટે ઇન્ક્વાયરી કરી રહી છે. અલબત્ત, તેઓ આ મામલે કોઇપણ ચમરબંધ હશે તો છોડશે નહીં, તેમણે આ મામલે ત્વરિત તપાસ કાર્યવાહી શરૂ કરતાં ઇકોનોમી સેલમાં ખળભળાટ મચી ગયો છે.