દેશમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) (GST) કલેક્શન સપ્ટેમ્બરમાં (September) વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં (Financial Year) આ ચોથો મહિનો છે જ્યારે ટેક્સ કલેક્શન રૂ. 1.6 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. ગયા મહિને GSTની કુલ આવક 1,62,712 કરોડ રૂપિયા હતી. તેમાં 29,818 કરોડનો કેન્દ્રીય જીએસટી, 37,657 કરોડનો રાજ્ય જીએસટી, 83,623 કરોડનો સંકલિત જીએસટી (માલની આયાત પર જમા કરાયેલ રૂ. 41,145 કરોડ સહિત) અને 11,613 કરોડનો સેસ (સામાન્ય આયાત પર જમા કરાયેલ રૂ. 881 કરોડ સહિત)નો સમાવેશ થાય છે.
નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2023માં GST કલેક્શન ગયા વર્ષના સમાન મહિનામાં 1.47 લાખ કરોડ રૂપિયા કરતાં 10 ટકા વધુ હતું. સમીક્ષા હેઠળના મહિના દરમિયાન સેવાઓની આયાત સહિતના સ્થાનિક વ્યવહારોમાંથી આવક વાર્ષિક ધોરણે 14 ટકા વધુ હતી. નિવેદનમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2023-24માં આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે.
સરકારે IGST થી CGST ને 33,736 કરોડ અને SGST ને 27,578 કરોડની પતાવટ કરી છે. નિયમિત સેટલમેન્ટ પછી સપ્ટેમ્બરમાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGSTના ખાતામાં રૂપિયા 63,555 કરોડ અને SGSTના ખાતામાં રૂપિયા 65,235 કરોડ હતી. સપ્ટેમ્બરના અંતમાં 2023-24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે કુલ GST કલેક્શન 9,92,508 કરોડ રૂપિયા રહ્યું છે, જે 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક 8,93,334 કરોડ રૂપિયા કરતાં 11 ટકા વધારે છે.