સુરત: સુરત પોલીસ વિભાગના ઇકોનોમી સેલની (Surat Police Economy Cell) આખી કામગીરી શંકાના દાયરામાં છે. ત્યારે આ આખા પ્રકરણમાં પીઆઇ સુવેરા અને એસીપી પરમાર સામે ઇન્કવાયરી કમિ. તોમર દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ બેડામાં હાલમાં જે ચર્ચાઇ રહ્યું છે. એ પ્રમાણે પોલીસ બેડાના ઉચ્ચ અધિકારી હાલમાં કોઇના કાબૂમાં નથી. સુરત ઇકોનોમી સેલમાં હાલમાં જે કરોડો રૂપિયાની તોડબાજી થઇ છે, તેમાં આ ઉચ્ચ અધિકારીની ભૂમિકા શંકાના દાયરામાં છે. આજ અધિકારીએ સુફિયાનની સામાન્ય પૂછપરછ કરી તેને છોડી દીધો હતો. સુફિયાનની કોઇ ઉલટ તપાસ આજદિન સુધી પોલીસ સ્ટાઇલથી કરવામાં આવી નથી. તેમાં સુફિયાનના ઇશારે નાના વેપારીઓને ફટકારીને તેઓ પાસે નાણાં પડાવવામાં આવ્યા છે કે નહીં એ મામલે હાલમાં તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે કમિશનર તોમરને (Surat Police Commissioner Ajay Tomar) તેમના જ અધિકારીઓએ અંધારામાં રાખ્યા હોવાની ચર્ચા પોલીસ બેડામાં છે.
કમિશનર તોમરે વેપારીઓને આગળ આવવા અપીલ કરી
કમિશનર અજય તોમરે અપીલ કરી છે કે, જો કોઇ વેપારી આગળ આવશે તો જે-તે અધિકારી સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સુફિયાન દ્વારા ફ્રોડ જીએસટી (GST Bogus Bill) બિલો ઇસ્યુ કરવામાં આવ્યાં હતાં. તેણે કોને આ બિલ પધરાવ્યાં છે એ તમામ વેપારીઓને બોલાવીને તેઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો હાલમાં પોલીસ બેડામાં ચર્ચામાં છે. દરમિયાન વેપારીઓને તમામ સુરક્ષા આપવાની ખાતરી આપવામાં આવી છે.
સુફિયાનને સામાન્ય પૂછપરછ કરી તેના ઇશારે આખો તોડબાજીનો ખેલ કરાયો હોવાની ચર્ચા
સુફિયાન દ્વારા શહેરમાં દોઢ હજાર કરોડનાં ફ્રોડ બિલ ઇસ્યુ કરવામાં આવ્યાં હતાં. જીએસટી વિભાગ પહેલેથી જ આ કૌભાંડીને બે વખત ધરપકડ કરી ચૂક્યો છે. હવે નાના વેપારીઓને કોની પાસે કેટલાં બિલ છે તેની બાતમી આપીને ઇકોનોમી સેલના અધિકારીઓને બોલાવીને તોડબાજી કરવામાં આવી રહી હોવાની પોલીસબેડામાં ચર્ચા છેડાઇ છે. તેમાં પચાસ કરોડ કરતા વધારેનો ખેલ પોલીસ દ્વારા કરાયો હોવાની વાત છે. અલબત્ત, આ પ્રકરણમાં સુફિયાનને છોડી દઇ ઇકોનોમી સેલના અધિકારીઓએ આ કૌભાંડ વાસ્તવમાં કેટલા કરોડનું છે તેની કોઇ ઉલટ તપાસ કરી નથી. આ મામલો કમિ. અજય તોમરે પોતાના હાથમાં લીધો છે ત્યારે આવતા દિવસોમાં સુફિયાનની આકરી પૂછપરછ કરવાનાં ચક્રો ગતિમાન થયાં છે.