Vadodara

નડિયાદ પાલિકાની કમિટિની રચના પહેલા જૂથવાદ!

નડિયાદ, તા.16
નડિયાદ પાલિકાની કમિટિની રચના પહેલા સત્તાધારી પાર્ટી ભાજપના જ 3 જૂથ પોતાના માનીતા કાઉન્સિલરોને મલાઈદાર કમિટિમાં સ્થાન આપવા માટે સક્રિય થયા છે. અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના 5 હોદ્દા પર જ્યારે નિમણૂકો થઈ ત્યારે આ ત્રણેય ગ્રુપમાં સમાધાનની ફોર્મ્યુલા કાઢવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો એક્કો ચાલ્યો હતો અને પ્રમુખ અને કારોબારી જેવા મહત્વના હોદ્દા તેમને ફાળે ગયા હતા. જ્યારે જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટના માનીતા કલપેશ રાવળને ઉપપ્રમુખનો તાજ પહેરાવ્યો હતો અને રાજન દેસાઈના ગ્રુપમાંથી કિન્તુ દેસાઈને દંડક બનાવાયા છે.
આ જાન્યુઆરી મહિનાના આજે 16 દિવસ પૂર્ણ થયા છે, સાથોસાથ હવે મહિનો પૂર્ણ થવામાં 14 દિવસ બાકી છે, આગામી 14 દિવસમાં નડિયાદ પાલિકાનું જનરલ બોર્ડ બોલાવી નવી કમિટિની રચના કરવામાં આવશે. કમિટિની ટર્મ પૂરી થવા પર હોય, હવે નવી કમિટિ માટે કાઉન્સિલરો પોતાના આકાઓના શરણે પહોંચી ગયા છે. નડિયાદ શહેરમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં આંતરીક જૂથવાદ છૂપો નથી. નડિયાદ નગરપાલિકામાં પોતાનું સામ્રાજ્ય જમાવવા 3 જૂથ સક્રિય છે. જે પૈકી પંકજ દેસાઈ જૂથનો અત્યાર સુધી દબદબો રહ્યો છે, છેલ્લી અઢી વર્ષની ટર્મમાં પંકજભાઈ દેસાઈ જૂથમાંથી પ્રમુખ તરીકે રંજનબેન વાઘેલા અને કારોબારી ચેરમેનમાં પણ તેમના જ જૂથના મનન રાવનો સમાવેશ કરાયો હતો. જ્યારે તે વખતે જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ હતા અને રાજન દેસાઈ સંગઠનમાં ઉપપ્રમુખ હોય, રાજન દેસાઈના જૂથમાંથી કિન્તુ દેસાઈને ઉપપ્રમુખ બનાવાયા હતા. તેમજ કલપેશ રાવળ તે વખતે દંડક બન્યા હતા અને તે અજય બ્રહ્મભટ્ટના જૂથના છે. આ વખતે કમિટિઓની રચના પહેલા હોદ્દેદારોની નિમણૂક થઈ, તેમાં પણ ધારાસભ્ય પંકજ દેસાઈનો દબદબો રહ્યો હતો અને પ્રમુખ તરીકે કિન્નરી શાહ અને કારોબારી ચેમમેન તરીકે પરીન બ્રહ્મભટ્ટનો સમાવેશ થયો, જ્યારે ઉપપ્રમુખ તરીકે અજય બ્રહ્મભટ્ટના જૂથમાંથી કલપેશ રાવળ જ્યારે રાજન દેસાઈના જૂથમાં કિન્તુ દેસાઈને પક્ષના દંડક બનાવાયા છે.
હવે આગામી દિવસોમાં કમિટિઓની રચના થવાની છે, નડિયાદ નગરપાલિકામાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના જૂથના અનેક કાઉન્સિલરો છે. સમિતિઓની રચનામાં પણ તેમનો દબદબો રહેશે, તે નિશ્ચિત મનાઈ રહ્યુ છે. પરંતુ આંતરીક સૂત્રોના મતે પક્ષની નો-રીપીટની થિયરીમાં પંકજ દેસાઈ જૂથના સિનિયર કાઉન્સિલરોને જો કાપવામાં આવે, તો તેવા સંજોગોમાં જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને રાજન દેસાઈ સહિતનું જે અન્ય જૂથ છે. જો કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નગરપાલિકાની કમિટિઓની રચનામાં કોનો દબદબો રહેશે, તે સમય આવ્યે જ જોવા મળશે.

Most Popular

To Top