SURAT

ગ્રીષ્માની જેમ જ ઉધનાની યુવતીની હત્યા, સગાઈ થઈ જતા પ્રેમીએ પત્થર મારી પતાવી દીધી

સુરત : (Surat) ઉધનામાં જે.પી. મીલ પાસે યુવતીની લાશ (Girl Dead Body) મળી આવવાના પ્રકરણમાં પોલીસે એક યુવકની અટકાયત (Arrest) કરી લીધી છે. આ યુવક અને યુવતી વચ્ચે બે-અઢી વર્ષથી પ્રેમસંબંધ (Affair) હતો. પરંતુ યુવતીની સગાઇ થઇ જતા બંને વચ્ચે ઝઘડા થયા હતા અને વાત હત્યા (Murder) સુધી પહોંચી હતી.

  • ઉધનાની જે.પી. મિલ પાસે ખંડેર મકાનમાં પોલીસને યુવતીની લાશ મળી હતી
  • ડેડબોડી પાસે પોલીસને મળેલી બેગ હત્યારા સુધી લઈ ગઈ
  • પાંડેસરામાં રહેતા સત્યનારાયણ શેટ્ટીએ યુવતીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો

પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે બપોરના સમયે ઉધના જે.પી. મીલ નજીક એક ખંડેર જેવા વિસ્તારમાં એક લાશ પડી હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલમાં આવ્યો હતો. પોલીસે યુવતીની લાશને સિવિલમાં લઇ ગયા હતા. આ યુવતીની ડેડબોડી પાસેથી એક બેગ પણ મળી આવી હતી. યુવતીનું મોંઢુ છુંદી નાંખીને તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, આ યુવતીનું નામ સુલોચના હોવાનું પણ બહાર આવ્યું હતું. બીજી તરફ ઉધના પોલીસે પાંડેસરા વિસ્તારમાં રહેતા સત્યનારાયણ શેટ્ટી નામના યુવકની અટકાયત કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે સત્યનારાયણ અને સુલોચના વચ્ચે બે-અઢી વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને ઓરિસ્સાના આજુબાજુના ગામડામાં રહેતા હોવાથી બંને વચ્ચે મિત્રતા થઇ હતી. સત્યનારાયણ સંચા ખાતામાં કામ કરતો હતો અને સુલોચના વતનમાં જ રહેતી હતી. બે મહિના પહેલા સુલોચના સુરત આવી હતી. આ દરમિયાન સુલોચનાની સગાઇ થઇ હતી, જે વાતે સુલોચના અને સત્યનારાયણ વચ્ચે માથાકૂટ થઇ હતી. આ વાતની અદાવત રાખીને સત્યનારાયણે સુલોચનાને જે.પી. મીલ પાસે મળવા બોલાવી હતી અને ત્યાં તેણીના મોંઢા ઉપર પથ્થરો મારીને તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે સત્યનારાયણ શેટ્ટીની અટકાયત કરીને તેની પુછપરછ શરૂ કરી છે.

પાસોદરામાં એકતરફી પ્રેમીએ યુવતીનું ગળું કાપી હત્યા કરી
તમને જણાવી દઈએ કે હજુ ગયા શનિવારે જ કામરેજના પાસોદરા ગામમાં ગ્રીષ્મા વેકરીયા નામની 21 વર્ષીય યુવતીની તેને એકતરફી પ્રેમ કરતા યુવક ફેનિલે જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતી. આ મર્ડરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ફેનિલ પોતે પણ ઘેનની દવા પી લઈ હાથ પર ચાકુ માર્યું હતું. સારવાર બાદ કોર્ટમાં રજૂ કરી પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા છે. આ કેસમાં ફેનિલની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે, જેમાં તે અને ગ્રીષ્મા પ્રેમસંબંધમાં હોવાનો ફેનિલ દાવો કરે છે. બીજી તરફ ગ્રીષ્માના પરિવારે ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે કોઈ પણ સંબંધ હોવાનો ઈનકાર કરી ફેનિલને જાહેરમાં ફાંસીની માંગણી કરી છે.

Most Popular

To Top