આવતીકાલે પ્રેમનો ઇઝહાર કરવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે ઉજવવા ઘણાં સુરતી કપલ્સ થનગની રહ્યાં છે. આમ તો વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરી રોઝ ડેથી થઇ જાય છે. સુરતમાં પણ 15-20 દિવસથી વેલેન્ટાઈનનો માહોલ બની ગયો છે. ફુલોથી જ પ્રેમનો ઇઝહાર થતો હોવાથી સુરતમાં ફૂલો વિપુલ માત્રામાં ઠલવાઇ રહ્યા છે એટલે સુરત અત્યારે ફુલોથી મહેકી રહ્યું છે, ગુલે ગુલઝાર થઈ ગયું છે. ટેડી બેર અને પ્રેમની લાગણી વ્યક્ત કરતા ઉપહારોથી દુકાનો સજી ગઈ હોવાનું દેખાય છે. વિવિધ ચોકલેટ્સ આકર્ષક ગીફ્ટ હેમ્પરમાં પેક થઈ ગઈ છે. વેલેન્ટાઈન ડેનો આ માહોલ તો છેલ્લાં 15-20 વર્ષથી વધારે અટ્રેકટિવ વેમાં જોવા મળી રહ્યો છે, પણ 30-35 વર્ષ પહેલાં વેલેન્ટાઈન ડે આટલો ઓપન્લી નહીં ઉજવાતો હતો. જોકે, ત્યારે પણ કોલેજોમાં વેલેન્ટાઈન ડેની રાહ જોવાતી. ત્યારે પણ પ્રેમીઓ પ્રેમનો ઇઝહાર કરતા પણ કઈ રીતે, એ દિવસે કોલેજ સ્ટુડન્ટ્સ કોલેજમાંથી બંક મારીને ક્યાં પહોંચી જતા, ત્યારે પ્રેમભર્યા સંદેશા અને હેપ્પી વેલેન્ટાઈન ડે કઈ રીતે કહેવાતું?ચાલો 30-35 વર્ષ પહેલાં કઈ રીતે આ દિવસ સેલિબ્રેટ થતો અને હવે કઈ રીતે સેલિબ્રેટ થાય છે, 30-35 વર્ષમાં આ ડેની ઉજવણીમાં થયેલા ફેરફારોને બારીકાઈથી જાણીએ…
નાના છોકરાઓના હાથમાં ગુલાબનું ફૂલ આપી પ્રેમિકા સુધી પહોંચાડતા

રેડ રોઝને પ્રેમનું સિમ્બોલ માનવામાં આવે છે. એ જમાનામાં બહુ બધી ફ્લાવર્સ શૉપ્સ નહીં હતી એટલે માળી કે ફૂલ વિક્રેતાઓ પાસેથી એકાદ ગુલાબનું ફૂલ મેળવી કે પોતાના બાલ્કનીમાં ઉગેલા ગુલાબ તોડી તે ફૂલ પોતાની પ્રેમિકા સુધી પહોંચાડવા નાના બાળકોને માધ્યમ બનાવવામાં આવતા. તે વખતે ખૂલીને પ્રેમની લાગણીઓ વ્યક્ત નહીં કરી શકતા હતાં એટલે બાળકને એક બે રૂપિયા કે પછી ચોકલેટ, બિસ્કિટની લાલચ આપી પ્રેમિકા સુધી રેડ રોઝ પહોંચાડતા. હવેના જમાનામાં તો વેલેન્ટાઈન વીકની શરૂઆત થતાં જ રોઝ ડે પહેલાં જ સુંદર ફુલોથી બજાર મધમધવા લાગે છે. હાર્ટશેપમાં રેડ રોઝીસના બુકે બનાવડવામાં આવે છે. હવે તો કસ્ટમાઇઝડ ફ્લાવર્સ બુકે પણ તૈયાર કરાવાય છે, ચોકલેટના બુકે પણ તૈયાર કરાવી પ્રિયજનને આપવામાં આવે છે.
કોલેજમાંથી બંક મારીને STD-PCO પહોંચી જતા,

મોબાઈલ ફોનનો જમાનો તો પચીસેક વર્ષથી છે અને એ વખતે મોબાઈલ ફોન પણ કી-પેડવાળા હતાં. એ પહેલાના વર્ષોમાં STD-PCO નો જમાનો હતો. કોલેજના સ્ટુડન્ટ્સ વેલેન્ટાઈન ડેના દિવસે કોલેજમાંથી બંક મારીને STD-PCO પહોંચી જતા અને પોતાના વેલેન્ટાઈન પ્રેમીજનના ફોન આવવાની રાહ જોતાં. આવી રાહ માત્ર છોકરાઓ જ જોતા એવું નહીં હતું પણ છોકરીઓ પણ જોતી. હવે તો વોટ્સએપ કે પછી ફેસબુક પર પર્સનલ મેસેજ મોકલી Happy Valentine’s Day ના પ્રેમભર્યા સંદેશ મોકલાય છે અને મોબાઈલ પર ફોન કરીને વેલેન્ટાઈન ડેની શુભેચ્છાઓ પણ આપવામાં આવે છે.
ગ્રીટિંગ્સ કાર્ડ માટે ગીફ્ટ શૉપ્સમાં મોટી લાઈનો લાગતી, હવે ડિજિટલ કાર્ડઝનું ચલણ
હવે વોટ્સએપ પર મેસેજ

એક સમય એવો પણ હતો કે સુરતમાં ઝાંપાબજાર અને અન્ય બે જગ્યાઓ પર એમ ત્રણ ગિફ્ટસની શોપ હતી જેમાં ગ્રીટિંગ્સ કાર્ડ મળતા હતાં. 25-30 વર્ષ પહેલાં વેલેન્ટાઇન ડેના એક બે દિવસ પહેલાથી જ ગીફ્ટ શૉપ્સમાં ગ્રીટિંગ્સ કાર્ડઝ માટે લાંબી લાઈનો લાગતી ત્યારે તો સોશ્યલ મિડિયા નહીં હતું. ગ્રીટિંગ્સ કાર્ડ લેવા માત્ર છોકરાઓ જતા ઓ જતાં એવું નહીં હતું છોકરીઓ પણ જતી. વળી, વેલેન્ટાઈન ડે પર ગ્રીટિંગ્સ કાર્ડની ડિમાન્ડ સાથે કાર્ડઝની કિંમત વધી જતી. મોંઘા કાર્ડ મેળવવા પણ લાઇનમાં યુવક-યુવતીઓ ઉભા રહેતાં. વોટ્સએપનો જમાનો તો બારેક વર્ષથી છે. હવે યુવક યુવતીઓ કે કોઈપણ પ્રેમીજન પોતાના પ્રિય પાત્રને વોટ્સએપ પર ગ્રીટિંગ્સ કાર્ડની ઇમેજ મોકલી વેલેન્ટાઈન ડેની શુભેચ્છાઓ મોકલતા હોય છે. હવે ડિજિટલ કાર્ડની બોલબાલા છે. હવે તો ગીફ્ટ શૉપમાં ગ્રીટિંગ્સ કાર્ડ લેવા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો જતા હશે. હવે વોટ્સએપ પર ઇમોજીનો ઉપયોગ કરીને વેલેન્ટાઈન ડેની શુભેચ્છાઓ આપી દેવાય છે. પહેલાં તો લાગણીઓ વ્યક્ત કરતા શબ્દો હાથથી કાર્ડ પર લખાતા પણ હવે તો ઇમોજીથી લાગણીઓ શોર્ટમાં મોકલી દેવામાં આવે છે.
પહેલાં ગિફ્ટમાં પરફ્યુમની નાની શીશી, નાની મોટી જવેલરી અપાતા હવે સ્માર્ટ ફોન, બ્લ્યુટૂથ આપાય છે
25-30 વર્ષ પહેલાં વેલેન્ટાઈન ડેનું સેલિબ્રેશન સીમિત હતું પણ પ્રેમિકાને કે પત્નીને વેલેન્ટાઈનના ઉપહાર તરીકે નાની મોટી જવેલરી કે સૌંદર્ય પ્રસાધન આપવામાં આવતા. 1974-75ના સમયમાં ગર્લફ્રેન્ડને પરફ્યુમની નાની શીશી ભેટ કરવાનું ચલણ હતું. ત્યારે એક્સપેન્સિવ ગીફ્ટ હોવી જોઈએ એવું નહીં માનવામાં આવતું. ગિફ્ટના મૂલ્ય કરતા પ્રેમભાવ જોવાતો, પણ હવે તો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ કે કપલ્સ એકબીજાને એક્સપેન્સિવ વેલેન્ટાઈન ગીફ્ટ આપવા લાગ્યાં છે. સ્માર્ટ ફોન, આઈ ફોન, બ્લ્યુટૂથ, સ્માર્ટ વોચ અને બીજા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ આપવામાં સ્ટેટ્સ માનવામાં આવે છે.
ગર્લફ્રેન્ડને 40 પૈસાની ઇડલી અને 60 પૈસાના ઢોસા ખવડાવતા

1974-75ના વર્ષમાં કોલેજ સ્ટુડન્ટ્સ પોતાની બહેનપણીઓને વેલેન્ટાઈન ડેના દિવસે રેસ્ટોરન્ટમાં 40 પૈસાની ઇડલી અને 60 પૈસાનો ઢોસા ખવડાવતા અને 20 પૈસાની કોફી પીવડાવતા. એ વખતે ફેશનેબલ છોકરીઓ જ વેલેન્ટાઈન ડે મનાવવા આગળ આવતી. હવે તો મોંઘીડાટ રેસ્ટોરન્ટ અને કાફેમાં પોતાના પ્રિયજનને કેન્ડલ લાઈટ ડિનર કરાવાય છે.