Charchapatra

ગ્રીનકાર્ડ વાળું શ્રાધ્ધ

એક મિત્ર અમેરિકા જઇને ગ્રીનકાર્ડ લઇ આવ્યા છે. ઘણીવાર અમેરિાના આંટાફેરા વિમાનમાં માર્યા છે, લાગે છે તેનું પેન્શન વિમાનની ટીકિટ ખરીદવામાં જ ખર્ચાઇ જાય છે ! વારંવાર ‘અમેરિકા, અમેરિકા’ અને ત્યાં હોય ત્યારે ‘ઇન્ડિયા ઇન્ડિયા’ના જાપ જપતા રહે છે. સ્થાયી, સ્થિર, શાંત જીવન તેમના નસીબમાં લખાયુ લાગતું નથી. ઘણીવાર લાગે છે ‘યાર તમારી કરતા રોજ દાડીયુ રળનારા મજૂર વધુ નસીબદાર લાગે છે. એક મજુર જેવો બેન્ડ વગાડનાર મને મળ્યો, એટલે મેં તેનાવતનનું નામ પૂછયું કે ધુલીયા એકલો રહું છું, શેઠની બેન્ડની ઓફિસમાં સૂઇ રહું છું.

સવારે કૂદરતી હાજત માટે મ્યુની.એ સંડાસો અને ન્હાવા ‘નહાન’ બનાવ્યા છે, તેનો લાભ લઉં છું. અને જમવા બાબતે પૂછતા એ તો એવું બોલ્યો ‘કાકા, તમારા વાળા વારંવાર ભંડારા કરે છે, હિન્દુ તિથિ પ્રમાણે ગરીબોને જમવાનું આપે છે, અમારી જેવા સુરત શહેરમાં અનેક છે, બધાને મોબાઇલ છે એકને ખબર પડે એટલે બધાની જમવાની વ્યવસ્થા થઇ જાય છે ! મારે કોઇ ફિકર જ નથી. વારંવાર કુટુંબને પૈસા મોકલુ છું અને સુખેથી બધા જીવીએ છીએ. આપણાં હિન્દુ ધનવાનો બહુ દિલવાળા છે. અમારી જેવા અનેકોના કુટુંબોને પોષે છે પ્રભુ તેમને વધુ આપે.’

હવે વિચારો આને અમેરિકા કે બ્રિટન જઇ 16/20 કલાકની ગદ્દા મજૂરી કરવાની કોઇ જરૂર છે ? અમેરિકા જઇને પણ તમારે વહુના ઓશિયાળા થઇને જીવવાનું સવારે કામે જતા તમને દિવસ ભરનું કામ સોંપી જાય. છતાં ઘણી હિન્દુ મહિલાઓને વહુની ગધ્ધા મજુરી બહુ પસંદ રહે છે અને સ્વમાનપૂર્વક બે જણ સાથે જીવવાનું ગુમાવે છે. આવો જુવાનિયો વર્ગ ભાદરવા માસમાં શ્રધ્ધ કરે છે. જીવતા જીવત જેમણે મા-બાપનો ભાવ નથી પૂછયો એ મારાજ ને બોલાવી તેને દૂધપાક, લાડુ ખવડાવી હાથમાં 200/500 મુકી મા બાપને સ્વર્ગે ધકેલ્યાનો આનંદ માણે છે !

આવો એક મિત્ર આજે થેલી ભરીને ભિખારી અને બ્રાહ્મણ માટેનું ખાવાનું લઇ જતો મળ્યો ત્યારે થયું આપણા હિન્દુ કે મુસલમાનોએ અમેરિકા-બ્રિટનની ગધ્ધા મજુરી સ્વીકારી તો લીધી પણ અસલના વતનના જ્ઞાતિ-કોમી પૂર્વગ્રહો છોડયા નથી. ત્યાં પણ પુરાણા 500/1000 સાલના સમાજની જિંદગી જીવે છે, પરણે છે પોતાની જ્ઞાતિમાં તેમના સંબંધ વર્તુળો પણ જ્ઞાતિ પ્રમાણેના હોય છે અને હવે તો બ્રિટનમાં પણ કોમી તોફાનો કરવા માંડયા છે. તમે સુખની શોધમાં બધું ગુમાવી બેઠા છો. હજુ તમને તેની ખબર પડી નથી!
સુરત     – ભરત પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top