21 સપ્ટેમ્બર વિશ્વ કૃતજ્ઞતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.કૃતજ્ઞતા એટલે’થેંક્સ ગીવીંગ.’પશ્ચિમના દેશોમાં ‘થેંક્યુ અને સૉરી’ આ બે શબ્દોનો ઉપયોગ વારંવાર થાય છે.આ આપણે શીખવા જેવું છે.સામેની વ્યકિતએ કરેલ નાનકડા કે મોટા ઉપકાર,અહેસાન કે આપણા માટે બતાવેલ કાળજી આભારને લાયક છે.આપણે આ તબક્કે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં ભારે કંજૂસાઈ દાખવીએ છીએ.સૌજન્ય દાખવવાની બાબતમાં કસર કરવાની જરૂર નથી.અલબત્ત આપણે ત્યાં યુવાવર્ગ દ્વારા આ ભાવ વ્યક્ત થઈ રહ્યો છે.આભાર,ધન્યવાદ,શુક્રિયા,મહેરબાની,થેંક્સ શબ્દમાં ખૂબ શકિત છે.એક વાર અમલમાં મૂક્યા બાદ જ એની તાકાત સમજાય છે.કુદરતે જે કંઈ આપ્યું છે એનો આભાર વ્યક્ત કરવામાં પણ આપણે ઉમળકો દાખવતાં નથી.
માત્ર નિષ્ફળતા,દુઃખ કે વિકટ સ્થિતિ નિર્માણ થાય ત્યારે પરમ શક્તિને દોષ દેવામાં કસર કરતા નથી.પણ,એવું નથી વિચારતા કે આજ સુધી તો મને ખુશી મળી છે,હું તંદુરસ્ત છું,અન્યની સરખામણીએ મારી પાસે સુંદર ઘર છે,સંતાનો છે,નોકરી છે,પરિવાર છે,ધન છે. હોસ્પિટલના બેડ પર પડેલ દર્દથી પીડાતાં દર્દીઓને જોઈને પણ પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ચૂકીએ છીએ.ક્યારેય એવું ન વિચારીએ કે એ એની ફરજ હતી,એમાં શું આભાર માનવાનો.નાનામાં નાના ઉપકાર માટે પણ આભાર માનીએ.કૃતજ્ઞતાની લાગણી એક શકિતશાળી સંવેદના છે.આભારની લાગણી વ્યક્ત કરવાથી સકારાત્મક ઊર્જા મળે છે.
સુરત – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.