એક મોટા બિઝનેસ હાઉસમાં આજે ખુશીનો માહોલ હતો.કુટુંબની થર્ડ જનરેશન બિઝનેસ જોઈન્ટ કરવાની શરૂઆત કરી રહી હતી તેની પાર્ટી હતી.પોતાના પૌત્રને બેસ્ટ ઓફ લક કહીને આશીર્વાદ આપવાની સાથે જેમણે આ બિઝનેસની શરૂઆત કરી હતી અને આટલો મોટો બનાવ્યો હતો તે દાદાએ એક સુંદર ડાયરી ગીફ્ટ આપી અને કહ્યું, ‘બેટા, આ ડાયરી હંમેશા તારા ડેસ્ક પર રાખજે.’ પૌત્રે કહ્યું, ‘ઓકે દાદાજી …પણ આ ડાયરીનું કરું શું તે તો કહો.’ દાદા બોલ્યા, ‘દીકરા, આ ડાયરીનાં પાનાં પર તું તારા અનુભવોમાંથી શું શીખ્યો તે રોજે રોજ લખતો રહેજે અને ડાયરીના છેલ્લા પાને મેં બનાવેલા પાંચ નિયમો છે જે જીવનમાં …બિઝનેસમાં …બધે જ અનુસરવા જરૂરી છે તે તું સદા માટે યાદ રાખી લેજે.’
પાર્ટીમાં હાજર ઘણાએ દાદાના લખેલા પાંચ નિયમો કયા છે તે જાણવાની ઈંતેજારી બતાવી. પૌત્ર બોલ્યો, ‘દાદાજી, હું તો આ નિયમો હમણાં જ યાદ કરી લઈશ, પણ જો તમે જ અમને સમજાવશો તો બધાને ગમશે.બધા જાણવા આતુર છે.’ દાદાજી હસ્યા અને બોલ્યા, ‘હા , ચોક્કસ મારા જીવનના સારા –ખરાબ અનુભવમાંથી શીખીને મેં આ પાંચ નિયમ બનાવ્યા છે તે હું તમને બધાને કહીશ, પણ એક શરત છે કે તમારે બધાએ આ નિયમો માત્ર જાણવાના નથી, જીવનમાં ઉતારવાના પણ છે.’ આટલું કહીને દાદાએ નિયમ સમજાવવાની શરૂઆત કરી.પહેલો નિયમ છે કે તમે મહેનત કરીને ટોપ પર પહોંચો..ચોક્કસ પહોંચો, પણ તમારી સફળતાના માર્ગ પર જેણે જેણે સાથ આપ્યો હોય, જે તમારો ટેકો બન્યા હોય તેમને સદા યાદ રાખો અને હંમેશા માન આપો.નાનામાં નાનો ટેકો કરનારને પણ ભૂલો નહિ.
બીજો નિયમ છે કે જયાં જાઓ ત્યાં રૂઆબ કે મોભો રાખવાને બદલે પ્રેમ આપો અને પ્રેમ ફેલાવો.દરેકને મોટા માણસ નહીં પોતાના માણસ લાગો તેવું વર્તન કરો, જેથી તમે બધાના દિલમાં સ્થાન મેળવી શકો.તમારી ગેરહાજરી બધાને ખૂંચે અને બધા તમને ખાસ યાદ કરે. ત્રીજો નિયમ છે કે જીવનમાં સતત આગળ વધવા પ્રયત્ન કરતા જ રહો.સતત લડીને આગળ વધતા રહો.મતભેદ અને સ્પર્ધાની લડત પણ થશે તે લડી લેજો, પણ મનમાં ગાંઠ વાળીને રાખતા નહિ.વેર કોઈ જોડે બાંધતા નહિ. જરૂર પડે ત્યાં લડી લેવું પણ સમાધાન કરવા હંમેશા તૈયાર રહેવું. ચોથો નિયમ છે કે જીવનમાં કયારેક હાર થશે.તકલીફ આવશે.
નુકસાન થશે.દુઃખ આવશે ત્યારે પીછેહઠ કરવી નહિ.હિંમતથી આવેલી તકલીફનો સામનો કરવો અને તેમાંથી નીકળવાનો માર્ગ કાઢવો.કોઇ પણ પ્રકારના દુઃખને જીવનમાં કાયમી સ્થાયી થવા દેવું નહિ. મહેમાનની જેમ ભલે આવે અને જાય.દુઃખને અતિક્રમી ..વ્યથા વેદનાને ભૂલીને આગળ વધવું. પાંચમો નિયમ છે ખાસ જીવન માટે અહીં કશું જ કાયમી નથી.ન સુખ ..ન દુઃખ ..ન આ જીવન તો પછી બસ જે દિવસ ઊગે તેને પ્રેમથી મહેકાવી દો ..જે મળ્યું છે તે જીવી લો …ભેગું કરવાનો અર્થ નથી …ભેગું કરવા પાછળ સતત ભાગવામાં જીવન જીવવાનું ભૂલી ન જવાય તેનું ધ્યાન રાખજો.જીવનમાં …પછી મન હોય કે ઘર ..સારો ..ગમતો ખપ પૂરતો જ સામાન રાખવો. દાદાએ જીવનની ફિલસુફીથી ભરેલા પાંચ નિયમો સમજાવ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.