Gujarat

પોરબંદરમાં કિર્તી મંદિર ખાતે પૂ.બાપુને દાદાએ શ્રદ્ધા સુમન પુષ્પાંજલિ અર્પણ કરી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુની 152મી જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વ ધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી વંદના કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા અને જળશક્તિના કામો – સાતત્યપૂર્ણ વિકાસ થકી ગાંધીનું આ ગુજરાત નવી ઊંચાઈ સિદ્ધ કરશે.

ગાંધીજીના ગ્રામોત્થાન -સ્વચ્છતા મંત્ર સાર્થક કરવા પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વરાજ થી સુરાજ્યની સંકલ્પ સિદ્ધિ ગુજરાતના સંદર્ભમાં વર્ણવતા પટેલે જણાવ્યું હતું કે સર્વ સમાવેશક વિકાસયાત્રા આગળ ધપાવતા ગુજરાતમાં ‘સ્વચ્છ ભારત મિશન ફેઝ-2’ અંતર્ગત સસ્ટેઇનેબલ સેનિટેશન, ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર, સસ્ટેઇનેબલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, કેપેસિટી બિલ્ડીંગ તેમજ સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી એક જનઆંદોલનના રૂપમાં વિસ્તારવા આવી રહ્યું છે.

પટેલે આહવાન કર્યું હતું કે રાજ્યના હરેક નાગરિકે સ્વચ્છતા ને સહજ સ્વભાવ બનાવી સ્વચ્છ ભારત અભિયાન ના બીજા તબક્કા માં પણ ગુજરાતને આપણે અગ્રેસર રાખીએ. ક્લિન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ રાજ્યના દરેક ગામો, નગરો અને શહેરોમાં ૩૧ ઓકટોબર સુધી ‘સ્વચ્છ ભારત – સુંદર ભારત’ અમૃત ૨.૦ અંતર્ગત ૩૧ અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો અને રાજ્યના તમામ શહેરોમાં પાણી પુરવઠાના કામો થશે.અમૃત ૨.૦ મિશન’ હેઠળ તમામ અર્બન લોકલ બોડી (શહેરી સત્તામંડળ) અંતર્ગત આવતા ઘરોને નળથી પાણી આપવા, ૩૧ અમૃત શહેરોમાં ઘરોને સુએજ-સેપ્ટેજ કનેક્શન આપવા, જળાશય અને કુવાઓનો જીર્ણોદ્ધાર ઉપરાંત વોટર સિક્યુરિટી, અર્બન પ્લાનિંગ અને માર્કેટ ફાઇનાન્સ મોબિલાઇઝેશન જેવા રિફોર્મ કરવામાં આવશે. અમૃત મિશન અંતર્ગત પ્રથમ તબક્કા માં ગુજરાતે દેશભરમાં ત્રીજા સ્થાન પર રહીને 2800 કરોડ રૂપિયાના ખર્ચે મહત્વપૂર્ણ 305 કામો પૂર્ણ કર્યા છે. 31 શહેરમાં પીવાનું શુધ્ધ પાણી પુરૂં પાડવા માટે 95 કામો પૂર્ણ કર્યા છે. આ કામોના ફળસ્વરૂપે 1 લાખ 70 હજાર ઘરોમાં કનેક્શન પુરાં પાડ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પ્રથમ તબક્કામાં ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘અમૃત મિશન’ને જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે કહયું હતું કે ગાંધીજીના સ્વચ્છતા ના વિચારો આજના પરિપ્રેક્ષ્યમાં એટલા જ રિલેવન્ટ છે. એટલું જ નહીં, યુવા પેઢીને આવનારી પેઢીને ગાંધી આચાર-વિચાર શાશ્વત મૂલ્યો આત્મસાત કરવાની પ્રેરણા આપતો આ દિવસ છે. ગાંધીજીએ ગ્રામીણ ઉત્થાન,અંત્યોદય વિકાસ અને અસ્પૃશ્યતા નિવારણનાજે કાર્યો ઉપાડેલા તે આજે સમરસ સમાજ અને સૌના સાથ સૌના વિકાસની નેમથી આપણા પીએણ મોદી સાકાર કરે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતના સપૂત નરેન્દ્રભાઇએ બરાબર સાત વર્ષ પહેલા ગાંધીજીના જન્મદિન–૨ ઓક્ટોબર, ૨૦૧૪ના દિવસે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન છેડીને સ્વચ્છતાનો પૈગામ જનજન સુધી પહોંચાડ્યો હતો. મહાત્મા ગાંધીએ સ્વરાજ્ય અપાવ્યું-ગ્રામોત્થાન માટે દરિદ્રનારાયણના ઉત્થાન માટે આપણને માર્ગ ચિંધ્યો. તો પીએમ મોદીએ સુરાજ્ય ની યાત્રા આરંભી છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિએ તેમની 152મી જન્મજ્યંતિએ ગાંધી વંદના કરવાની મને તક મળી તે માટે મારી જાતને ભાગ્યશાળી સમજું છું એમ જણાવીને તેમણે કહ્યું હતું કે , સત્ય અહિંસા અને સ્વચ્છતાના વિચારને આત્મસાત કરી બાપુને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપીએ.

તેમણે વધુમાં કહ્યું કે અહિંસાના પૂજારી પૂજ્ય બાપુ કહેતા કે પ્રાર્થના જ આ દુનિયાની સૌથી મોટી શક્તિ છે.ગાંધીજી પોતે પણ આજીવન પ્રાર્થનામાં વિશ્વાસ ધરાવતા હતાં. પ્રાર્થનાના માધ્યમથી ગાંધી વિચારને, ગાંધીજીની ભાવનાને હૃદયમાં ઉતારવાનો આ ગાંધી જ્યંતી એક અવસર છે.

Most Popular

To Top