Vadodara

ગ્રેડ-પે, સ્ટાઈપેન્ડ, કોન્ટ્રાકટ પદ્ધતિ, નવી ભરતીની રજૂઆતો બહેરા કાને અથડાય છે

વડોદરા: કોવિડ પેન્ડેમિક દરમિયાન દર્દી વહેલો સાજો થાય તે માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ખડેપગે સેવા આપનાર નર્સિંગ સ્ટાફની પડતર માંગણીઓ સંદર્ભે અગાઉની રૂપાણી સરકારમાં રજુઆત કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવતા તેમજ નવા મંત્રી મંડળની રચના થતા રાજ્યના નવા મુખ્ય પ્રધાનને ટિમ ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ગ્રેડ-પે,કોન્ટ્રાકટ અને આઉટ સોર્સિંગ પદ્ધતિ,સ્ટાફ નર્સની ભરતી, સ્ટાઈપેન્ડ સહિતના વિવિધ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી.

વડોદરાના પ્રેસિડેન્ટ વિપુલસિંહ ચાવડા ,વાઈસ પ્રેસિડેન્ટ કૃણાલ પટેલ,દર્શન પટેલ તેમજ ગુજરાતના વિવિધ શહેર અને જીલ્લાના પ્રતિનિધિઓએ એકત્ર થઈ ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લઈ પોતાના પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવા રજુઆત કરી હતી.ટિમ ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના પ્રતિનિધિ મંડળે રાજ્યના મુખ્ય પ્રધાનને રજુઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અન્ય રાજ્ય અને કેન્દ્રની સરખામણીએ ખુબજ ઓછો ગ્રેડ-પે રૂ.2800 ચુકવવામાં આવે છે.જ્યારે અન્ય રાજ્યોમાં 4,200 તેમજ કેન્દ્રમાં 4,600 ચૂકવાય છે.

જેથી રાજ્યના સ્ટાફને પણ 4,200 નો લાભ મળવો જોઈએ.કોન્ટ્રાકટ અને આઉટ સોર્સિંગ પદ્ધતિ મામલે છેલ્લા 2 વર્ષથી સરકારમાં જરૂરી પુરાવા સાથે અનેકવાર રજુઆત કરી હતી કે સરકારની તિજોરી માંથી 21,000-22,000 જેવી પગારની રકમ લઈને કર્મચારીને 1100-13000 ચુકવવામાં આવી રહ્યા છે.જેથી દરેક કર્મચારી દીઠ 8 થી 10 હજાર રૂપિયા ચાઉ થઈ જાય છે.જેથી આ કોન્ટ્રાકટ પ્રથા ખતમ કરી સરકાર હસ્તક કરવામાં આવે.સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ દરેક નર્સિંગ કર્મચારીને ઓછામાં ઓછો 20 હજાર પગાર ચુકવવામાં આવે તેવો ખરડો પણ પાસ કરવામાં આવે. સાથે સાથે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં હાલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર બહુ સારી કામગીરી કરી રહ્યા છે.

પરંતુ આ કોમ્યુનિટી ઓફિસર પોતાના વતનથી દૂર રહીને ફરજ બજાવી રહ્યા છે.જેથી આ તમામ પ્રોસેસ કેન્દ્ર હસ્તક આપી પ્રોસેસ પારદર્શક રીતે તમામ ઓફિસરને બદલી આપવામાં આવે અને છેલ્લા બે વર્ષથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો કોર્સ પૂરો કરી ઘરે બેસી રહેલા તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ને જલ્દીથી નિમણૂક આપવામાં આવે સાથે સાથે અમુક જીલ્લામાં છેલ્લા આઠ મહિનાથી નિયમિત ઈન્સેન્ટીવ મુકવામાં આવેલ નથી તે પણ નિયમિત ચૂકવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે.જ્યારે સ્ટાફ નર્સની નવી ભરતી બાબતે પીએચસી અને જીએમઈઆરએસની જે ખાલી જગ્યા માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી એ મામલે હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલ નથી.

Most Popular

To Top