ગુજરાતમાં ભાગ્યે જ પોલીસ આંદોલન થયું છે. 1985 નાં ભીષણ કોમી હુલ્લડો વખતે રાજ્યભરની પોલીસ હડતાળ પર ગઇ હતી. એ પછી 2008 અને 2019 માં પોલીસ આંદોલન માટેની સળી થઇ હતી, પણ કડકાઇથી તેને દબાવી દેવાઇ હતી. આ વખતે ન ચાલી કડકાઇ કે ન ચાલી ચાલાકી. કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓના પે-ગ્રેડ એટલે કે પગારનાં ધોરણ માટે સોશ્યલ મીડિયા અને પારિવારિક સમર્થન સાથે બરાબરનું આંદોલન ચાલ્યું.
એ એટલું જબ્બર અને નીચેના પાયેથી ચાલ્યું કે રાજ્યની નવી બિનઅનુભવી સરકાર હચમચી ગઇ. અનેક દિવસો સુધી પોલીસ આંદોલન લોકસમર્થન થકી ચાલે ને સરકાર અપીલોમાં રાચતી ફરે એવું ભૂતકાળમાં કદી બન્યું નથી. સરકાર ઊંઘતી ઝડપાઇ એવું કહીએ તો પણ ચાલે. સરકારને એમ હતું કે કમળનાં બટન દબાવનારાઓ એમ કંઇ અમારી સામે આંદોલન કરતા હશે? સરકારનો આ ઓવરકોન્ફિડન્સ એને નડી ગયો ને પોલીસ કર્મીઓના ગ્રેડ-પે માટે છેવટે કમિટીની રચના કરવી પડી. જ્યારથી જે કોઇ સ્તરે ભાજપનું શાસન આવ્યું છે, તેમાં કોઇ માગણીઓ કે આંદોલન વખતે શરૂઆતમાં તો ગુરુતાગ્રંથી સાથે સાવ ઉપેક્ષિત વલણ દાખવવામાં આવે છે.
મામલો વધુ વણસી જાય એટલે સરકાર જાગે છે ને ગમે તેમ થાગડથીંગડ કરીને સ્થિતિને ઉકેલવાના ધખારા કરે છે. કર્મચારી સંગઠનના નેતાઓને સામ-દામ-દંડ-ભેદ થકી ઢીલાઢસ કરી નાખે છે. મોટે ભાગે કર્મીઓના સંગઠનમાં ભાગલા પડાવે છે ને એમાંથી રસ્તા કઢાય છે. પરંતુ આ વખતે સ્થિતિ કંઇક જુદી હતી. આવું પોલીસ આંદોલન ગુજરાતે કદી જોયું નથી. પોલીસોની ગ્રેડ-પે ને લગતી માગણી માટેનું આંદોલન હતું, પણ બાપડા પોલીસો સીધી રીતે આંદોલનને ચલાવી શકતા નહોતા. શિસ્તની બેડી એમના પગમાં પડેલી હતી. એટલે આ ફોર ધ પોલીસ, બાય ધ પોલીસ આંદોલનનો ચહેરો જરા જુદો રહ્યો.
પોલીસે આંદોલન કરવાનું હતું ને સામે તેમને રોકનાર પણ પોલીસ જ હતી. લડતી પોલીસ સિવિલ ડ્રેસમાં હતા ને રોકતી પોલીસ ખાખીમાં હતી. આમાં બહુ મઝા ન આવી એટલે આંદોલનકારી માસ્ટર માઇન્ડ્સે પોલીસ પરિવારોને મેદાનમાં ઊતાર્યાં. એમાં એકદમ વાજબીપણું હતું. એનું કારણ એ છે આજકાલની કાળઝાળ મોંઘવારીમાં પોલીસ કોન્સ્ટેબલ પરિવારનું ભરણપોષણ થાય એવું નથી. મોટા ભાગના કોન્સ્ટેબલ હેન્ડ-ટુ માઉથ હાલતમાં જીવતા હોય છે. હપ્તાઓ અને ભરણની તો વાતો હોય છે.
બાપડા કોન્સ્ટેબલને માટે તો ઉપર સુધી ભરણ જતું હોવાની વાયકાઓ કે મિથ ચાલતાં રહે છે. વાસ્તવમાં એમની વાજબી પગારની માગણીઓ સામે દિવેલિયા ચહેરાથી જોવાને બદલે જો પહેલેથી સહાનુભૂતિપૂર્વક જોવામાં આવ્યું હોત તો આ નવી સરકારનો ગ્રેડ જે નીચો ગયો છે, તે અટકી શક્યો હોત. ઓવર કોન્ફિડન્સને નુકસાનકારક બનતાં વાર નથી લાગતી. ગુજરાતની નવી સરકારને માટે પણ આવો જ તાલ થયો છે. નવા ગૃહરાજ્ય મંત્રી અપીલોના ઓવર કોન્ફિડન્સમાં રાચતા રહ્યા ને આ આંદોલન પોલીસ કર્મીઓના હાથમાંથી સરકીને પોલીસ કર્મીઓના પરિવારજનોના હાથમાં ક્યારે જતું રહ્યું એની કોઇ ગતાગમ પડી નહીં.
પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરમાંથી સિફતપૂર્વક આવવા લાગેલાં પોલીસ પરિવારજનો દ્વારા આંદોલન અનેક પરંપરાગત ઢબે ચાલવા લાગ્યું ને ક્યારે સરકારના પગ તળેથી ચાદર ખસકવા લાગી એનો અહેસાસ જ ન રહ્યો. છેવટે કમિટી રચીને આંદોલનથી પીછો છોડાવવાની નોબત આવી ગઇ. એનું મોટું કારણ એ છે કે પોલીસ કર્મીઓનો પગાર હાલની મોંઘવારી જોતાં અપૂરતો છે. અનેક પોલીસ આવાસોની હાલત તો સરકારની હાલત કરતાંય વણસી ગયેલી છે. આ બધી વાત કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મીઓની છે, મોટા બિલ્લાઓવાળા બાબુઓની નહીં. એમણે ક્યાં આંદોલન કરવાની જરૂર છે!
સવાલ આંદોલનનો નથી, તેને હેન્ડલ કરવાની બિનકાર્યક્ષમતાનો છે. પહેલાં તો સરકાર હચમચી જાય એ હદે આંદોલન પહોંચી ગયું એ જ સરકારની નિષ્ફળતા છે. આંદોલનકારી પોલીસની સામે બંદોબસ્તધારી પોલીસ ખડી કરીને પણ સરકાર ફાવી શકી નહીં. સવાલ હવે એ છે કે જે વાસ્તવિક હાલત પોલીસ વિભાગની છે, એવી હાલત બીજા અનેક વિભાગોની પણ છે. તંત્રમાં સડો પેસે તે પહેલાં ચેતી જવાની જરૂર છે. આ આંદોલન જેવી તકલીફો પેલા અભ્યાસ વર્ગો યોજવાથી દૂર થાય એમ નથી. અરે, અભ્યાસ વર્ગોમાં ઠાવકા થઇને જનારા પેલા કેસરિયા કાર્યકર્તાઓની હાલત પણ આંદોલનકારી પોલીસ કર્મીઓ જેવી નહીં હોય એવું માનવાને કોઇ કારણ નથી, કારણ કે ક્યારે મોટા વડેરા કોને ખખડાવી મારે એનું કંઇ નક્કી નથી.
સુરત શું કે વડોદરા કે અમદાવાદ શું, છેલ્લા કેટલાક સમયથી જે રીતે ઊંચી ખુરશી પરથી બધાને ડાંટ પડી રહી છે, તેનું આ પોલીસ આંદોલન જેવું પરિણામ આવી શકે છે. કંઇ કહેવાય નહીં. ક્યાં સુધી ટિકિટોની કાપાકાપીની જાસા-ધમકીઓ કેસરિયા કાર્યકર્તાઓ સહન કરતા રહેશે? બધાને ખખડાવવાની, ઉતારી પાડવાની કે ટિકિટ કાટ ડાલેંગે, ટિકિટ માગવી નહીં, એવી ધમકીભાષા ક્યાં સુધી કેટલાં લોકો સહન કરતા રહેશે? ગ્રેડ-પે આંદોલને સરકારને ડિગ્રેડ કરી નાખી ને સાથે અંદરખાને પાર્ટીનો ગ્રેડ પણ બગડી રહ્યો છે!
ધડાકાભડાકા તો નહીં, પણ ક્યારે કેટલુંક નુકસાન થઇ શકે છે એનું કંઇ કહી શકાય એવું નથી. વિરોધ પક્ષ કોંગ્રેસને રાષ્ટ્રીય પ્રમુખ મળી શકતા નથી, તો પ્રદેશ પ્રમુખનું કેમનું ગોઠવી શકશે એ પણ સવાલ છે. લોકોને ભરોસો પડતો નથી. આમઆદમી પાર્ટીનો પનો હજુ ટૂંકો પડી રહ્યો છે. સત્તાધીશો આ સઘળી પરિસ્થિતિ સુપેરે સમજે છે ને એટલે કમિટી રચી દેવાથી પોલીસ આંદોલન દબાઇ જતાં રહે છે. બાકી ગ્રેડ તો બધ્ધે બધ્ધાના બગડી રહ્યા છે. કોઇને કાંઇ કે’વા જેવું ની મલે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગુજરાતમાં ભાગ્યે જ પોલીસ આંદોલન થયું છે. 1985 નાં ભીષણ કોમી હુલ્લડો વખતે રાજ્યભરની પોલીસ હડતાળ પર ગઇ હતી. એ પછી 2008 અને 2019 માં પોલીસ આંદોલન માટેની સળી થઇ હતી, પણ કડકાઇથી તેને દબાવી દેવાઇ હતી. આ વખતે ન ચાલી કડકાઇ કે ન ચાલી ચાલાકી. કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓના પે-ગ્રેડ એટલે કે પગારનાં ધોરણ માટે સોશ્યલ મીડિયા અને પારિવારિક સમર્થન સાથે બરાબરનું આંદોલન ચાલ્યું.
એ એટલું જબ્બર અને નીચેના પાયેથી ચાલ્યું કે રાજ્યની નવી બિનઅનુભવી સરકાર હચમચી ગઇ. અનેક દિવસો સુધી પોલીસ આંદોલન લોકસમર્થન થકી ચાલે ને સરકાર અપીલોમાં રાચતી ફરે એવું ભૂતકાળમાં કદી બન્યું નથી. સરકાર ઊંઘતી ઝડપાઇ એવું કહીએ તો પણ ચાલે. સરકારને એમ હતું કે કમળનાં બટન દબાવનારાઓ એમ કંઇ અમારી સામે આંદોલન કરતા હશે? સરકારનો આ ઓવરકોન્ફિડન્સ એને નડી ગયો ને પોલીસ કર્મીઓના ગ્રેડ-પે માટે છેવટે કમિટીની રચના કરવી પડી. જ્યારથી જે કોઇ સ્તરે ભાજપનું શાસન આવ્યું છે, તેમાં કોઇ માગણીઓ કે આંદોલન વખતે શરૂઆતમાં તો ગુરુતાગ્રંથી સાથે સાવ ઉપેક્ષિત વલણ દાખવવામાં આવે છે.
મામલો વધુ વણસી જાય એટલે સરકાર જાગે છે ને ગમે તેમ થાગડથીંગડ કરીને સ્થિતિને ઉકેલવાના ધખારા કરે છે. કર્મચારી સંગઠનના નેતાઓને સામ-દામ-દંડ-ભેદ થકી ઢીલાઢસ કરી નાખે છે. મોટે ભાગે કર્મીઓના સંગઠનમાં ભાગલા પડાવે છે ને એમાંથી રસ્તા કઢાય છે. પરંતુ આ વખતે સ્થિતિ કંઇક જુદી હતી. આવું પોલીસ આંદોલન ગુજરાતે કદી જોયું નથી. પોલીસોની ગ્રેડ-પે ને લગતી માગણી માટેનું આંદોલન હતું, પણ બાપડા પોલીસો સીધી રીતે આંદોલનને ચલાવી શકતા નહોતા. શિસ્તની બેડી એમના પગમાં પડેલી હતી. એટલે આ ફોર ધ પોલીસ, બાય ધ પોલીસ આંદોલનનો ચહેરો જરા જુદો રહ્યો.
પોલીસે આંદોલન કરવાનું હતું ને સામે તેમને રોકનાર પણ પોલીસ જ હતી. લડતી પોલીસ સિવિલ ડ્રેસમાં હતા ને રોકતી પોલીસ ખાખીમાં હતી. આમાં બહુ મઝા ન આવી એટલે આંદોલનકારી માસ્ટર માઇન્ડ્સે પોલીસ પરિવારોને મેદાનમાં ઊતાર્યાં. એમાં એકદમ વાજબીપણું હતું. એનું કારણ એ છે આજકાલની કાળઝાળ મોંઘવારીમાં પોલીસ કોન્સ્ટેબલ પરિવારનું ભરણપોષણ થાય એવું નથી. મોટા ભાગના કોન્સ્ટેબલ હેન્ડ-ટુ માઉથ હાલતમાં જીવતા હોય છે. હપ્તાઓ અને ભરણની તો વાતો હોય છે.
બાપડા કોન્સ્ટેબલને માટે તો ઉપર સુધી ભરણ જતું હોવાની વાયકાઓ કે મિથ ચાલતાં રહે છે. વાસ્તવમાં એમની વાજબી પગારની માગણીઓ સામે દિવેલિયા ચહેરાથી જોવાને બદલે જો પહેલેથી સહાનુભૂતિપૂર્વક જોવામાં આવ્યું હોત તો આ નવી સરકારનો ગ્રેડ જે નીચો ગયો છે, તે અટકી શક્યો હોત. ઓવર કોન્ફિડન્સને નુકસાનકારક બનતાં વાર નથી લાગતી. ગુજરાતની નવી સરકારને માટે પણ આવો જ તાલ થયો છે. નવા ગૃહરાજ્ય મંત્રી અપીલોના ઓવર કોન્ફિડન્સમાં રાચતા રહ્યા ને આ આંદોલન પોલીસ કર્મીઓના હાથમાંથી સરકીને પોલીસ કર્મીઓના પરિવારજનોના હાથમાં ક્યારે જતું રહ્યું એની કોઇ ગતાગમ પડી નહીં.
પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરમાંથી સિફતપૂર્વક આવવા લાગેલાં પોલીસ પરિવારજનો દ્વારા આંદોલન અનેક પરંપરાગત ઢબે ચાલવા લાગ્યું ને ક્યારે સરકારના પગ તળેથી ચાદર ખસકવા લાગી એનો અહેસાસ જ ન રહ્યો. છેવટે કમિટી રચીને આંદોલનથી પીછો છોડાવવાની નોબત આવી ગઇ. એનું મોટું કારણ એ છે કે પોલીસ કર્મીઓનો પગાર હાલની મોંઘવારી જોતાં અપૂરતો છે. અનેક પોલીસ આવાસોની હાલત તો સરકારની હાલત કરતાંય વણસી ગયેલી છે. આ બધી વાત કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મીઓની છે, મોટા બિલ્લાઓવાળા બાબુઓની નહીં. એમણે ક્યાં આંદોલન કરવાની જરૂર છે!
સવાલ આંદોલનનો નથી, તેને હેન્ડલ કરવાની બિનકાર્યક્ષમતાનો છે. પહેલાં તો સરકાર હચમચી જાય એ હદે આંદોલન પહોંચી ગયું એ જ સરકારની નિષ્ફળતા છે. આંદોલનકારી પોલીસની સામે બંદોબસ્તધારી પોલીસ ખડી કરીને પણ સરકાર ફાવી શકી નહીં. સવાલ હવે એ છે કે જે વાસ્તવિક હાલત પોલીસ વિભાગની છે, એવી હાલત બીજા અનેક વિભાગોની પણ છે. તંત્રમાં સડો પેસે તે પહેલાં ચેતી જવાની જરૂર છે. આ આંદોલન જેવી તકલીફો પેલા અભ્યાસ વર્ગો યોજવાથી દૂર થાય એમ નથી. અરે, અભ્યાસ વર્ગોમાં ઠાવકા થઇને જનારા પેલા કેસરિયા કાર્યકર્તાઓની હાલત પણ આંદોલનકારી પોલીસ કર્મીઓ જેવી નહીં હોય એવું માનવાને કોઇ કારણ નથી, કારણ કે ક્યારે મોટા વડેરા કોને ખખડાવી મારે એનું કંઇ નક્કી નથી.
સુરત શું કે વડોદરા કે અમદાવાદ શું, છેલ્લા કેટલાક સમયથી જે રીતે ઊંચી ખુરશી પરથી બધાને ડાંટ પડી રહી છે, તેનું આ પોલીસ આંદોલન જેવું પરિણામ આવી શકે છે. કંઇ કહેવાય નહીં. ક્યાં સુધી ટિકિટોની કાપાકાપીની જાસા-ધમકીઓ કેસરિયા કાર્યકર્તાઓ સહન કરતા રહેશે? બધાને ખખડાવવાની, ઉતારી પાડવાની કે ટિકિટ કાટ ડાલેંગે, ટિકિટ માગવી નહીં, એવી ધમકીભાષા ક્યાં સુધી કેટલાં લોકો સહન કરતા રહેશે? ગ્રેડ-પે આંદોલને સરકારને ડિગ્રેડ કરી નાખી ને સાથે અંદરખાને પાર્ટીનો ગ્રેડ પણ બગડી રહ્યો છે!
ધડાકાભડાકા તો નહીં, પણ ક્યારે કેટલુંક નુકસાન થઇ શકે છે એનું કંઇ કહી શકાય એવું નથી. વિરોધ પક્ષ કોંગ્રેસને રાષ્ટ્રીય પ્રમુખ મળી શકતા નથી, તો પ્રદેશ પ્રમુખનું કેમનું ગોઠવી શકશે એ પણ સવાલ છે. લોકોને ભરોસો પડતો નથી. આમઆદમી પાર્ટીનો પનો હજુ ટૂંકો પડી રહ્યો છે. સત્તાધીશો આ સઘળી પરિસ્થિતિ સુપેરે સમજે છે ને એટલે કમિટી રચી દેવાથી પોલીસ આંદોલન દબાઇ જતાં રહે છે. બાકી ગ્રેડ તો બધ્ધે બધ્ધાના બગડી રહ્યા છે. કોઇને કાંઇ કે’વા જેવું ની મલે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.