મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Governor Bhagat singh Koshyari) કોરોના (Corona) સંક્રમિત થયા હાવોની માહિતી મળી રહી છે. રાજભવનના એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે તપાસ બાદ રાજ્યપાલ કોરોના સંક્રમિત જણાયા હતા, ત્યારબાદ તેમને દક્ષિણ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં હાલમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં છે. તેમના મંત્રી એકનાથ શિંદેએ બળવાખોર વલણ અપનાવ્યું છે. તેમની સાથે શિવસેના અને અપક્ષ સહિત 40 ધારાસભ્યો છે. આ તમામ લોકો હાલ આસામના ગુવાહાટીમાં હાજર છે. મહારાષ્ટ્રમાં યોજાયેલી એમએલસી ચૂંટણીમાં કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેનો ફાયદો ભાજપને મળ્યો. આ પછી જ એકનાથ શિંદે અને બાકીના ધારાસભ્યો પહેલા ગુજરાત ગયા હતા. ગઈકાલે તમામ ધારાસભ્યો સુરતમાં રોકાયા હતા. હવે તેઓ સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે.
તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં બાકીના ધારાસભ્યોને બચાવવા માટે ધારાસભ્યોને હોટલમાં મોકલી દીધા છે, કારણ કે એકનાથ શિંદેના દાવાઓ સતત વધી રહ્યા છે. ઉદ્ધવ સરકારને સતત ધમકી મળી રહી છે. માનવવલના પ્રયાસો ચાલુ છે પરંતુ હાલમાં કોઈ સફળતા દેખાઈ રહી નથી.
તે જ સમયે, બળવાખોર ધારાસભ્યોને ગુવાહાટીમાં એરપોર્ટ નજીક રેડિસન બ્લુ હોટલમાં રાખવામાં આવ્યા છે. ત્યાં કડક સુરક્ષા ગાર્ડ છે. આ ધારાસભ્યોને બહાર આવવા દેવામાં આવતા નથી. બળવાખોર ધારાસભ્યોની સંખ્યામાં હજુ વધારો થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બળવાખોર ધારાસભ્યો એનસીપી સાથે ગઠબંધન કરવા માંગતા નથી
શિંદેએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે બાળાસાહેબ હિંદુત્વને આગળ લઈ જવાનો ઈરાદો ધરાવતા હતા. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું કે તેમણે હજુ સુધી શિવસેના છોડી નથી. તેમણે કહ્યું કે હું બાળાસાહેબના હિન્દુત્વ અને વિચારધારાને અનુસરી રહ્યો છું. બીજી તરફ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે અમે બધા એકનાથ શિંદેની સાથે છીએ. અમને રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP) પસંદ નથી. મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે ભાજપ પણ સક્રિય છે. ભાજપના ધારાસભ્ય શિવેન્દ્રરાજે ભોસલેએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં ફડણવીસના નેતૃત્વમાં સરકાર બનશે. ફડણવીસ ગઈ કાલે દિલ્હી ગયા હતા અને ટોચના નેતાઓને પણ મળ્યા હતા.