આપણે જોઈએ તો હાલનો ચર્ચાસ્પદ મુદ્દો રસીકરણ, કે જેમાં સરકારે પ્રાથમિકતા સિનિયર સિટીઝન , સરકારી કર્મચારીઓ, સરકારી શિક્ષકો , વોરિયર્સને આપી અને તેમણે ફરજિયાત રસીકરણ કરાવવું. જે હેઠળ અત્યારે સરકારી શાળામાં મોટા ભાગનાં દરેક શિક્ષકોને રસી અપાઈ ચૂકી છે.
આજનો મારા મતે સળગતો પ્રશ્ન એ છે કે પ્રાઇવેટ શાળાના શિક્ષકોના રસીકરણ માટે આટલો ભેદભાવ કેમ? તેઓ પણ વિદ્યાર્થીઓના અભ્યાસમાં કાર્યરત રહે છે. વળી સરકારી શાળાના પગારમાં અને પ્રાઇવેટ શાળાના પગારમાં ભારે અસમાનતા તો છે જ , તેમાં પણ પડતા પર પાટુ જેવું, કોરોના મહામારીમાં તો અમુક પ્રાઇવેટ શાળાનાં શિક્ષકો પગારકાપના સકંજામાં તે પણ લગભગ એક વર્ષથી ભોગ બનેલા છે .
તો શું પ્રાઇવેટ શાળાનાં શિક્ષકોએ વિદ્યાર્થીઓના હિત અને પોતાના હિત માટે સરકારી હોસ્પિટલમાં ઓનલાઈનથી કે રુ. ૨૫૦/- ખર્ચીને રસીકરણ કરાવવા જવાનું! અને જો પ્રાઇવેટ શાળાના શિક્ષકની ઉંમર ૪૫ વર્ષથી નીચે હોય તો રસીકરણ માટે રાહ જોવાની.
શું ચારે કોરથી અસમાનતાનો સામનો કરવાનું પ્રાઇવેટ શાળાનાં શિક્ષકોના ભાગ્યમાં લખ્યું છે? પ્રાઇવેટ શાળાનાં શિક્ષકોને પણ સરકારે વિના મૂલ્યે રસીકરણ ફરજિયાતપણે કરવું જોઇએ એવું લખનારનું માનવું છે. જેથી દેશનું ભાવિ જેના હાથમાં રહેલું છે તે સુરક્ષિત રહેશે તો આખો દેશ પણ સુરક્ષિત રહેશે.
સુરત – નીતિ કનક શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.