ગયા વરસે ગાલ્વાનની ઘટનાને હાથ ધરવામાં કરેલા છબરડા પછી અને ચીન સામે નાક કપાયા પછી આબરૂ બચાવવા કેન્દ્ર સરકારે (વડા પ્રધાને વાંચો) કોરોનાપ્રતિકારક રસી તરફ નજર દોડાવી હતી. જો એમાં સફળતા મળી હોત તો વડા પ્રધાન ઊંચક્યા ઉંચકાતા ન હોત. દેશમાં અને વિદેશમાં તેમનો જયજયકાર થયો હોત. જગતની વસ્તીના દર પાંચમા માણસને એક વરસમાં રસી આપી દેવી એ કોઈ જેવીતેવી સિદ્ધિ ન ગણાત. તેમના દુશ્મનોએ પણ એની કબુલાત કરવી પડત. આ ઉપરાંત ભારતના પાડોશી દેશોને અને જગતના ગરીબ પછાત દેશોને પણ મદદ કરવાના મનોરથ હતા કે જેથી ભારતની અને વડા પ્રધાનની પ્રતિષ્ઠા વધત. અંગ્રેજીમાં કહીએ તો એ માસ્ટર સ્ટ્રોક હતો. પાછો આ એક એવો મનોરથ હતો જે સાકાર કરવો મુશ્કેલ નહોતો. આગલી સરકારોની મહેરબાનીથી ભારત વૈજ્ઞાનિક સંશોધન અને વિજ્ઞાનસંસ્થાઓની બાબતે નસીબદાર છે.
ગાય-ગોબર અને ગોમૂત્રની આરાધના કરવામાં તેમણે આયખું નહોતું વિતાવ્યું. વિજ્ઞાન અને સંશોધનની બાબતે ભારત અને ભારતીયો આગળ છે એ વાતની જગત કદર કરે છે અને વિદેશમાં ભારતીય ‘બ્રેઈની’ તરીકે ઓળખાય છે. ગયા લેખમાં કહ્યું હતું એમ ભારત સરકારે બે જ કામ કરવાનાં હતાં. ભારતની બે આરોગ્ય-સંશોધન સંસ્થાઓએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ભારતમાં જે જે ખાનગી કે સરકારી કંપની/સંસ્થા રસીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે તેને આપવાની હતી. એ જ રીતે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ખરીદીને હમણાં કહી એવી સંસ્થાઓને આપી દેવાની હતી. આ ઉપરાંત ફાયઝર, જહોન્સન એન્ડ જહોન્સન જેવી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમ જ વિદેશી સરકારી સંસ્થાઓએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ખરીદીને વહેંચી આપવાની હતી. ઝાઝા હાથ રળિયામણા. બીજો ઉપાય એ હતો કે ભારત સરકાર ગયા વરસે જ ૫૦ કરોડ રસીનો ઓર્ડર (સબ્જેક્ટ ટુ એપ્રુવલ એટલે કે રસી કલીનીકલ ટ્રાયલમાં પાસ થાય અને જે તે દેશની માન્યતા આપનારી ડ્રગ્સ કન્ટ્રોલર સંસ્થા માન્યતા આપે તો જ) જે તે સંસ્થા/કંપનીઓને આપી શકી હોત. અમેરિકા અને પશ્ચિમ યુરોપના અને બીજા વિશ્વના અનેક દેશોએ આ રીતે પોતપોતાની જરૂરિયાત મુજબ ઓર્ડર આપી દીધા હતા.
આમ બધું બહુ જ સહેલું હતું. અમર થવું જરાય મુશ્કેલ નહોતું. તમે જગતમાં એવો કોઈ દેશ જોયો જે રસી માટે વલખાં મારતો હોય અને પોતાના વિદેશ પ્રધાનને રસી માટે યાચના કરવા અમેરિકા મોકલવો પડ્યો હોય? ગરીબ દેશ પણ નહીં જડે. કારણ કે દરેકે પોતાની ઔકાદ મુજબ રસીની વ્યવસ્થા કરી લીધી હતી. કોઈકે વિકસાવી, કોઈકે લાયસન્સ ખરીદીને ઉત્પાદનમાં ભાગીદારીની વ્યવસ્થા કરી, કોઈકે ખરીદી અને કોઈકે આંતરરાષ્ટ્રીય વૈદકીય સમજુતીની જોગવાઈનો ઉપયોગ કરીને સહાય તરીકે મફતમાં મેળવી. માત્ર ભારત જ આવી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું અને ચીન સામે નાક બચાવવા જતાં ઘર આંગણે અને જગતમાં નાક કપાવ્યું. આવું કેમ બન્યું? દેખીતી રીતે લાભનો સોદો નુકસાનમાં કેમ ફેરવાઈ ગયો?
કારણ કે આ એક તાળી-થાળી જેવો ખેલ હતો. એવું એક મનભાવન વિશ્વ (નેરેટિવ) રચવાનું જેમાં રાજ કપૂરના ‘જોકર’ ફિલ્મના ગીતમાં કહ્યું છે એમ થોડી હકીકત, જ્યાદા ફસાના હોય. લોકોને એમ લાગવું જોઈએ કે કાંઈક અનોખું અને અપૂર્વ બની રહ્યું છે. એ બનશે ત્યારે ભારત સામે કોઈ આંખ પરોવીને વાત કરવાની હિંમત નહીં કરી શકે. “કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને બતાવી આપ્યું છે.” “ભારત વિશ્વને કરોનામુક્ત કરવામાં પહેલી હરોળનો દેશ છે.” “ભારત વર્લ્ડ ફાર્મસી છે.” આવાં નિવેદનો કરવા માટે ખરેખર ૫૬ ઇંચની છાતી જોઈએ અને આપણા વડા પ્રધાન એવી છાતી ધરાવે છે. બીજું, મોટી સંખ્યામાં કઢીચટાઓ ઘાસના એક તણખલાને લીલા ઘાસના પૂળા તરીકે રજૂ કરતા હોય ત્યારે ઘેંટાંની ચિંતા શા માટે કરવાની! એ ક્યાં નાસી જવાના છે. જે તૈયારી હતી એ ખેલ માટેની હતી, બોલ્યું પાળવા માટેની નહોતી. નોટબંધી પણ આવો જ એક ખેલ હતો. અધકચરો જીએસટી પણ આવો જ એક ખેલ હતો. પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી પણ આવો જ એક ખેલ હતો. કાચા-અધૂરા પાયા ઉપર મનભાવન મહેલ બાંધવાનો અને મહેલ બંધાઈ ચૂક્યો છે એવી જાહેરાત કરીને ઉત્સવો કરવાના. આગળનું કામ કઢીચટાઓ સંભાળી લેશે.
એક બીજો પણ વહેમ આવે છે. શા માટે ભારત સરકારે વિકસાવેલી રસીનું ઉત્પાદન કરવાનો ઈજારો ભારત બાયોટેક નામની એક જ કંપનીને આપવામાં આવ્યો? પાછી આ કંપની બહોળા ઉત્પાદનની ક્ષમતા પણ નથી ધરાવતી! શા માટે બીજા રસી ઉત્પાદકોને ભારતમાં પ્રવેશ આપવામાં ન આવ્યો? શા માટે એક માત્ર સીરમ ઇન્સ્ટીટયુટ ઉપર મદાર રાખવામાં આવ્યો? કોઈ ડાહ્યા માણસને હાથમાં કેલ્ક્યુલેટર આપીને બાજુમાં બેસાડ્યો હોત તો એણે ગણતરી માંડીને કહ્યું હોત કે ભારતને રસીના કેટલા અબજ ડોઝની જરૂર પડશે અને કઈ કંપનીની ઉત્પાદનની કેટલી તાકાત છે. શા માટે દેશે વિકસાવેલી રસીની ફોર્મ્યુલા એક ખાનગી કંપનીને આપવામાં આવી અને એ પણ ઈજારાશાહી સાથે. જરૂર વહેમ આવે એવી વાત છે.
પ્રચંડ આત્મવિશ્વાસ સાથે નવનિર્માણનો લલકાર કરવાનો પણ તૈયારી બિલકુલ નહીં કરવાની એનું આ પરિણામ છે. નોટબંધી વખતે પણ આવું જ થયું હતું. નોટબંધી વખતે કાળું નાણું તો ઠીક, નકલી નાણું પણ અસલી થઈ ગયું અને એમાં ખાનગી બેંકો અગ્રેસર હતી. તમને ખબર છે? ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે નોટબંધીને કારણે ભારતનું અર્થતંત્ર ખાડે જશે એમ કહ્યું ત્યારે સરકારે અને તેના કઢીચટાઓએ તેમને જવાબ તો નહોતો આપ્યો, ગાળો આપી હતી. આ વખતે ડૉ. મનમોહન સિંહે જ્યારે સરકારને સલાહ આપી કે ભારતની વસ્તીનું પ્રમાણ જોતાં માત્ર બે કંપની રસી આપવામાં પહોંચી નહીં વળી શકે અને રસી બનાવનારા એકથી વધુ સંસ્થા/કંપનીઓને પ્રવેશ આપવો જોઈએ ત્યારે ભારતના આરોગ્ય પ્રધાને બદતમીઝીપૂર્વક ડૉ. મનમોહન સિંહને જવાબ આપ્યો હતો. આજે હવે સરકારે એ જ કરવું પડે છે જે ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે પણ આકરી ટીકા કરી છે. તો વાતનો સાર એ છે કે કામ ભલે નાનું કરીએ, પણ નક્કર કરવું જોઈએ. સાત વરસમાં આઠ વખત રડવાનું બન્યું એનું કારણ કાચા પાયા ઉપર અધૂરા મહેલની રચના છે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગયા વરસે ગાલ્વાનની ઘટનાને હાથ ધરવામાં કરેલા છબરડા પછી અને ચીન સામે નાક કપાયા પછી આબરૂ બચાવવા કેન્દ્ર સરકારે (વડા પ્રધાને વાંચો) કોરોનાપ્રતિકારક રસી તરફ નજર દોડાવી હતી. જો એમાં સફળતા મળી હોત તો વડા પ્રધાન ઊંચક્યા ઉંચકાતા ન હોત. દેશમાં અને વિદેશમાં તેમનો જયજયકાર થયો હોત. જગતની વસ્તીના દર પાંચમા માણસને એક વરસમાં રસી આપી દેવી એ કોઈ જેવીતેવી સિદ્ધિ ન ગણાત. તેમના દુશ્મનોએ પણ એની કબુલાત કરવી પડત. આ ઉપરાંત ભારતના પાડોશી દેશોને અને જગતના ગરીબ પછાત દેશોને પણ મદદ કરવાના મનોરથ હતા કે જેથી ભારતની અને વડા પ્રધાનની પ્રતિષ્ઠા વધત. અંગ્રેજીમાં કહીએ તો એ માસ્ટર સ્ટ્રોક હતો. પાછો આ એક એવો મનોરથ હતો જે સાકાર કરવો મુશ્કેલ નહોતો. આગલી સરકારોની મહેરબાનીથી ભારત વૈજ્ઞાનિક સંશોધન અને વિજ્ઞાનસંસ્થાઓની બાબતે નસીબદાર છે.
ગાય-ગોબર અને ગોમૂત્રની આરાધના કરવામાં તેમણે આયખું નહોતું વિતાવ્યું. વિજ્ઞાન અને સંશોધનની બાબતે ભારત અને ભારતીયો આગળ છે એ વાતની જગત કદર કરે છે અને વિદેશમાં ભારતીય ‘બ્રેઈની’ તરીકે ઓળખાય છે. ગયા લેખમાં કહ્યું હતું એમ ભારત સરકારે બે જ કામ કરવાનાં હતાં. ભારતની બે આરોગ્ય-સંશોધન સંસ્થાઓએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ભારતમાં જે જે ખાનગી કે સરકારી કંપની/સંસ્થા રસીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે તેને આપવાની હતી. એ જ રીતે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ખરીદીને હમણાં કહી એવી સંસ્થાઓને આપી દેવાની હતી. આ ઉપરાંત ફાયઝર, જહોન્સન એન્ડ જહોન્સન જેવી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમ જ વિદેશી સરકારી સંસ્થાઓએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ખરીદીને વહેંચી આપવાની હતી. ઝાઝા હાથ રળિયામણા.
બીજો ઉપાય એ હતો કે ભારત સરકાર ગયા વરસે જ ૫૦ કરોડ રસીનો ઓર્ડર (સબ્જેક્ટ ટુ એપ્રુવલ એટલે કે રસી કલીનીકલ ટ્રાયલમાં પાસ થાય અને જે તે દેશની માન્યતા આપનારી ડ્રગ્સ કન્ટ્રોલર સંસ્થા માન્યતા આપે તો જ) જે તે સંસ્થા/કંપનીઓને આપી શકી હોત. અમેરિકા અને પશ્ચિમ યુરોપના અને બીજા વિશ્વના અનેક દેશોએ આ રીતે પોતપોતાની જરૂરિયાત મુજબ ઓર્ડર આપી દીધા હતા.
આમ બધું બહુ જ સહેલું હતું. અમર થવું જરાય મુશ્કેલ નહોતું. તમે જગતમાં એવો કોઈ દેશ જોયો જે રસી માટે વલખાં મારતો હોય અને પોતાના વિદેશ પ્રધાનને રસી માટે યાચના કરવા અમેરિકા મોકલવો પડ્યો હોય? ગરીબ દેશ પણ નહીં જડે. કારણ કે દરેકે પોતાની ઔકાદ મુજબ રસીની વ્યવસ્થા કરી લીધી હતી. કોઈકે વિકસાવી, કોઈકે લાયસન્સ ખરીદીને ઉત્પાદનમાં ભાગીદારીની વ્યવસ્થા કરી, કોઈકે ખરીદી અને કોઈકે આંતરરાષ્ટ્રીય વૈદકીય સમજુતીની જોગવાઈનો ઉપયોગ કરીને સહાય તરીકે મફતમાં મેળવી. માત્ર ભારત જ આવી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું અને ચીન સામે નાક બચાવવા જતાં ઘર આંગણે અને જગતમાં નાક કપાવ્યું. આવું કેમ બન્યું? દેખીતી રીતે લાભનો સોદો નુકસાનમાં કેમ ફેરવાઈ ગયો?
કારણ કે આ એક તાળી-થાળી જેવો ખેલ હતો. એવું એક મનભાવન વિશ્વ (નેરેટિવ) રચવાનું જેમાં રાજ કપૂરના ‘જોકર’ ફિલ્મના ગીતમાં કહ્યું છે એમ થોડી હકીકત, જ્યાદા ફસાના હોય. લોકોને એમ લાગવું જોઈએ કે કાંઈક અનોખું અને અપૂર્વ બની રહ્યું છે. એ બનશે ત્યારે ભારત સામે કોઈ આંખ પરોવીને વાત કરવાની હિંમત નહીં કરી શકે. “કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને બતાવી આપ્યું છે.” “ભારત વિશ્વને કરોનામુક્ત કરવામાં પહેલી હરોળનો દેશ છે.” “ભારત વર્લ્ડ ફાર્મસી છે.” આવાં નિવેદનો કરવા માટે ખરેખર ૫૬ ઇંચની છાતી જોઈએ અને આપણા વડા પ્રધાન એવી છાતી ધરાવે છે. બીજું, મોટી સંખ્યામાં કઢીચટાઓ ઘાસના એક તણખલાને લીલા ઘાસના પૂળા તરીકે રજૂ કરતા હોય ત્યારે ઘેંટાંની ચિંતા શા માટે કરવાની! એ ક્યાં નાસી જવાના છે. જે તૈયારી હતી એ ખેલ માટેની હતી, બોલ્યું પાળવા માટેની નહોતી. નોટબંધી પણ આવો જ એક ખેલ હતો. અધકચરો જીએસટી પણ આવો જ એક ખેલ હતો. પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી પણ આવો જ એક ખેલ હતો. કાચા-અધૂરા પાયા ઉપર મનભાવન મહેલ બાંધવાનો અને મહેલ બંધાઈ ચૂક્યો છે એવી જાહેરાત કરીને ઉત્સવો કરવાના. આગળનું કામ કઢીચટાઓ સંભાળી લેશે.
એક બીજો પણ વહેમ આવે છે. શા માટે ભારત સરકારે વિકસાવેલી રસીનું ઉત્પાદન કરવાનો ઈજારો ભારત બાયોટેક નામની એક જ કંપનીને આપવામાં આવ્યો? પાછી આ કંપની બહોળા ઉત્પાદનની ક્ષમતા પણ નથી ધરાવતી! શા માટે બીજા રસી ઉત્પાદકોને ભારતમાં પ્રવેશ આપવામાં ન આવ્યો? શા માટે એક માત્ર સીરમ ઇન્સ્ટીટયુટ ઉપર મદાર રાખવામાં આવ્યો? કોઈ ડાહ્યા માણસને હાથમાં કેલ્ક્યુલેટર આપીને બાજુમાં બેસાડ્યો હોત તો એણે ગણતરી માંડીને કહ્યું હોત કે ભારતને રસીના કેટલા અબજ ડોઝની જરૂર પડશે અને કઈ કંપનીની ઉત્પાદનની કેટલી તાકાત છે. શા માટે દેશે વિકસાવેલી રસીની ફોર્મ્યુલા એક ખાનગી કંપનીને આપવામાં આવી અને એ પણ ઈજારાશાહી સાથે. જરૂર વહેમ આવે એવી વાત છે.
પ્રચંડ આત્મવિશ્વાસ સાથે નવનિર્માણનો લલકાર કરવાનો પણ તૈયારી બિલકુલ નહીં કરવાની એનું આ પરિણામ છે. નોટબંધી વખતે પણ આવું જ થયું હતું. નોટબંધી વખતે કાળું નાણું તો ઠીક, નકલી નાણું પણ અસલી થઈ ગયું અને એમાં ખાનગી બેંકો અગ્રેસર હતી. તમને ખબર છે? ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે નોટબંધીને કારણે ભારતનું અર્થતંત્ર ખાડે જશે એમ કહ્યું ત્યારે સરકારે અને તેના કઢીચટાઓએ તેમને જવાબ તો નહોતો આપ્યો, ગાળો આપી હતી. આ વખતે ડૉ. મનમોહન સિંહે જ્યારે સરકારને સલાહ આપી કે ભારતની વસ્તીનું પ્રમાણ જોતાં માત્ર બે કંપની રસી આપવામાં પહોંચી નહીં વળી શકે અને રસી બનાવનારા એકથી વધુ સંસ્થા/કંપનીઓને પ્રવેશ આપવો જોઈએ ત્યારે ભારતના આરોગ્ય પ્રધાને બદતમીઝીપૂર્વક ડૉ. મનમોહન સિંહને જવાબ આપ્યો હતો. આજે હવે સરકારે એ જ કરવું પડે છે જે ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે પણ આકરી ટીકા કરી છે. તો વાતનો સાર એ છે કે કામ ભલે નાનું કરીએ, પણ નક્કર કરવું જોઈએ. સાત વરસમાં આઠ વખત રડવાનું બન્યું એનું કારણ કાચા પાયા ઉપર અધૂરા મહેલની રચના છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.