Editorial

સરકાર ગંભીરતા બતાવે, તાપમાનમાં 3 જ ડિગ્રીનો વધારો ભારતની ઘોર ખોદી નાખશે

પ્રદૂષણની વાતાવરણ પર એવી અસરો થઈ રહી છે કે આખા વિશ્વની ઋતુઓ બદલાઈ જવા પામી છે. પહેલા જ્યાં વધારે વરસાદ પડતો હતો ત્યાં અટકી ગયો છે અને જ્યાં પૂર આવતાં હતાં ત્યાં નદીઓ સુકાઈ ગયેલી જોવા મળે છે. વાતાવરણમાં બદલાવ એટલે કે ક્લાઈમેટ ચેન્જને કારણે ધીરેધીરે ગરમી વધી રહી છે. ગરમીમાં વધારાનું પ્રમાણ ભલે ખૂબ ધીમું હશે પરંતુ જે રીતે ગરમી વધી રહી છે તે ભવિષ્યમાં ભુખમરો લાવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. તાજેતરમાં ક્લાઈમેટિક ચેન્જ જર્નલમાં એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રમાણે જો ભારત દેશનું તાપમાન માત્ર 3 ડિગ્રી સેલ્સિયસ જ વધે તો હિમાલયના 90 ટકા વિસ્તારોએ એક વર્ષ માટે દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે. હિમાચલના વિસ્તારોમાં પીવા અને સિંચાઈ માટે પાણીની અછત સર્જાઈ શકે છે.

ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલ પ્રમાણે હાલમાં 80 ટકા ભારતીયો વધી રહેલી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ વધારાને દોઢ ડિગ્રી સુધી સિમીત કરવું પડશે. નહીં તો પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ શકે છે. આ અહેવાલ તૈયાર કરવા માટે બે અલગ અલગ અભ્યાસ કરવામાંટ આવ્યા હતા. જેમાં ભારત, બ્રાઝિસ, ચીન, ઈજિપ્ત, ઈથોપિયા અને ઘાનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ દેશોમાં આબોહવામાં થતું પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનને કારણે દુષ્કાળ, પૂર, પાકની અછત અને અન્ય ફેરફારો પણ થવાની સંભાવના રહેલી છે. તાપમાનનો વધારો 3 ડિગ્રી સુધી પહોંચશે તો તેની મોટી અસર ખેતી પર થાય તેમ છે. જેને કારણે દેશના અડધાથી વધુ વિસ્તારોમાં વાવેતર સુકાઈ જાય તેવી સંભાવના છે.

આ અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, તાપમાનમાં વધારાથી જે દુષ્કાળની સ્થિતિ સર્જાશે તે છેલ્લા 30 વર્ષમાં આવતા દુષ્કાળ જેવી હશે. જો તાપમાન દોઢ ડિગ્રી પણ વધશે તો ભારતમાં 21 ટકા અને ઈથોપિયામાં 61 ટકા ખેતીની જમીન સુકાઈ જવાની સંભાવના છે. આ અંગે યુએઈના પ્રોફેસર રશેલ વોરને કહ્યું હતું કે, જો ભારતે આ કુદરતી આફતોમાંથી બચવું હોય તો તેણે પેરિસ સમજુતી પ્રમાણે તરત જ પગલાં ભરવાની જરૂરીયાત છે. જો પગલા ભરવામાં આવશે તો જ આ વિસ્તારોમાં પહાડ, જમીન, જળ અને આકાશને બચાવી શકાશે. અભ્યાસમાં આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના વિસ્તારો અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનના આ વધારાને રોકવા માટે બે રીતે કામ કરવું પડશે. જેમાં આબોહવા પરિવર્તનને રોકવાથી માંડીને જો પરિવર્તન થાય તો તેને અનુકુળ થવાના પગલાઓ લેવા જોઈએ.

આજે એવી સ્થિતિ છે કે, પર્યાવરણ માટે કોઈને પણ કામ કરવું જ નથી. વિકાસના નામે પર્યાવરણની ઘોર ખોદાઈ રહી છે. ઉપરથી જળ, વાયુ અને જમીનને જે રીતે પ્રદૂષિત કરવામાં આવી રહી છે તેને કારણે પણ વાતાવરણમાં ગરમીનો વધારો થઈ રહ્યો છે. જે કુદરતી સૌંદર્ય ધરાવતા વિસ્તારો છે તેમાં પણ વિકાસના નામે પર્યાવરણને બગાડવામાં આવી રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ થવો જોઈએ પરંતુ આ માટેના યુનિટો તૈયાર કરવામાં આવ્યા બાદ તેમાંથી નીકળતા પ્રદુષિત વાયુ કે પછી જળના યોગ્ય નિકાલ માટેના પગલાઓ પણ ભરાવવા જોઈએ. વિકાસ જરૂરી છે પરંતુ તેની સાથે સાથે પર્યાવરણને જાળવવું પણ એટલું જ જરૂરી છે.

ઝાડના નિકંદન કાઢવાની સામે જો તેટલા જ પ્રમાણમાં ઝાડનું વાવેતર કરવામાં આવે તો ક્લાઈમેટ ચેન્જને સુધારી શકાય છે. વાતાવરણમાં વધતી ગરમીને અટકાવી શકાય છે. ક્લાઈમેટ ચેન્જ મુદ્દે સરકાર દ્વારા પગલાઓ લેવામાં આવી રહ્યા છે પરંતુ સરકારી પગલાઓ કરતાં પ્રદૂષણનો વધારો મોટો છે. ભારત સરકાર દ્વારા જો આ મુદ્દે ગંભીરતા બતાવવામાં નહીં આવે તો આગામી સમય ભારત માટે ખૂબ કપરો હશે તે નક્કી છે.

Most Popular

To Top