Gujarat

નેતાઓના લેટરબોમ્બથી સરકાર ભીંસમાં: વાસદ ટોલનાકે GJ05 પાસિંગ વાહનોને પોલીસ હેરાન કરતી હોવાની રાવ

ગાંધીનગર: (Gandhinagar) ભાજપના (BJP) બે નેતાઓએ દિવાળી ટાણે જ લેટર બોમ્બ ફોડીને સરકારને (Government) મૂંઝવણભરી સ્થિતિમાં મૂકી દીધી છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. નેતાઓને સમસ્યા હોય તો પાર્ટી ફોરમમાં કે સરકારમાં ખાનગીમાં રજૂઆત કરી શકે એવી સી.આર.પાટીલ ઘણીવાર સલાહ આપી ચૂક્યા છે પણ બે દિવસમાં ભાજપના બે નેતાઓએ લેટર બોમ્બ ફોડીને ગુજરાતના ગૃહવિભાગ અને કૃષિ વિભાગ સામે સવાલો ઉભા કર્યા છે. ભાજપના સુરતના પૂર્વ મંત્રી કુમાર કાનાણી અને રાજ્યસભાના રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયાએ લેટર બોમ્બથી ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લીધી છે.

  • દિવાળીના ટાણે જ બે કદાવર નેતાના લેટરબોમ્બથી રાજ્યની ભાજપ સરકાર ભીંસમાં
  • વાસદ ટોલનાકે સુરતની જીજે 05 પાસિંગની તમામ કારને રોકી પોલીસ તોડબાજી કરવા હેરાન કરતી હોવાની કુમાર કાનાણીની રાવ
  • નકલી અને હલકી ગુણવત્તાયુક્ત બિયારણ બનાવતી કંપની સામે સરકાર પગલાં કેમ નથી ભરતી? રાજકોટના સાંસદ મોકરિયાની હૈયાવરાળ
  • શિસ્તબદ્ધ પાર્ટીની ઈમેજ અને પ્રદેશ અધ્યક્ષની ટકોર છતાં નેતાઓએ ફરી જાહેરમાં ગંભીર પ્રશ્નો ઉછાળતાં રાજકીય ગરમાટો

ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કૃષિ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે ખેડૂતોને નકલી બિયારણ મળી રહ્યું છે. કેટલાંક તત્વો ખેડૂતોને નકલી બિયારણ આપી રહ્યાં છે, તેની સામે કેમ પગલા લેવામાં આવતા નથી? હકીકતમાં સરકારે આવા તત્વો સામે કડક હાથે પગલા ભરવા જોઈએ. ગુજરાતમાં ગુણવત્તાયુક્ત બિયારણની ખેડૂતો બુમ પાડી રહ્યાં છે, ખેડૂતોની માગણી યોગ્ય છે. નકલી અને હલકી ગુણવત્તા ધરાવતી બિયારણ કંપનીઓ સામે સરકારે પગલાં ભરવા જોઈએ. ભાજપના જ સાસંદે સરકારની દુખતી નસ દબાવી દીધી છે.

બીજી તરફ સુરતના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને ગુજરાત પોલીસ તોડપાણી કરતી હોવાના સીધા આક્ષેપો કર્યા છે. કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, વડોદરા-સુરત એકસપ્રેસ હાઈવે પર વાસદ ટોલનાકા પાસે સૌરાષ્ટ્ર તરફ જતી સુરત પાસિંગની જીજે-05 લખેલી બધી જ ફોલ વ્હીલર કારને પોલીસ અટકાવીને ડોકયુમેન્ટની માંગણી કરીને માત્ર તોડબાજી કરવાના હેતુથી હેરાન પરેશાન કરી રહી છે. વાહન માલિકો સાથે પોલીસ કોઈ કારણ વિના ગાળાગાળી કરીને હેરાન કરે છે. જો વાહન માલિકો કોઈને વાત કરવાનું કહે છે, તો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લે છે. સુરતના વાહન ચાલકો સાથે કોઈ મોટા આતંકવાદી હોય તે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે. આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલા ભરવા જોઈએ.

Most Popular

To Top